રાજુલા શહેરમાં જાફરાબાદ રોડ ઉપર કોહીનુર હોટલથી લઈ અને પ્રેસિડેન્ટ હોટલ સુધી બાંધકામ થઈ રહ્યું છે. જેમાં આસપાસના રહીશોના રસ્તા બંધ થઈ જતા અને વર્ષોથી પોતે ધંધો કરી રહ્યા છે તેની આડે આ રીતે ગેરકાયદે બાંધકામ થતા ૫૦ જેટલી મહિલાઓ અને પુરુષો છેલ્લા બે દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. આ અંગે કોર્ટમાં પણ અરજી કરી હતી, જેમાં હાલ પૂરતું કામ સ્થગિત રાખવા માટે હુકમ કર્યો હોવાનું ઉપવાસીઓએ જણાવ્યું હતું. આ સ્થિતિમાં ધારાસભ્ય સહિતના આગેવાનોએ ઉપવાસ છાવણીની મુલાકાત લીધી હતી જ્યાં મહિલાઓએ રડતા રડતા તેમની પાસે ન્યાય માગ્યો હતો
ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, રવુભાઈ ખુમાણ, હરસુરભાઈ લાખણોત્રા તેમજ મયુરભાઈ દવે સહિતના આગેવાનોને આ મહિલાઓએ રોજીરોટી તેમજ આ રીતે થઈ રહેલા દબાણ માટે રજૂઆત કરી હતી અને રાત્રિના બાર વાગ્યે આ બાંધકામ કરનાર તત્વ દ્વારા બેફામ ગાળો બોલવામાં આવે છે અને યેનકેન પ્રકારે અમને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેમજ અમારા ઘરની પાસે આજે બિનઅધિકૃત રીતે લોખંડ પણ પાથરી દેતા તેમને ખૂબ હેરાનગતિ થઇ છે તેમ જણાવ્યું હતું. આ આગેવાનોએ આશ્વાસન આપતા કહ્યું હતું કે ગમે તે ચમરબંધી હશે, જો આપને ખોટી રીતે હેરાનગતી થતી હશે તો અમે સંપૂર્ણપણે તમારી સાથે છીએ.