અમરેલી જિલ્લામાં સામાન્ય વાતમાં મારામારીનાં બનાવ હવે જાણે રોજીંદા બની ગયા હોય તેવું લાગી રહ્યું છે જેમાં રાજુલામાં એક યુવકે જેસીબી ચલાવવા બાબતે પુછતા ૬ શખ્સોએ એકસંપ કરી યુવકને ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાજુલામાં રહેતા ફરિયાદી ભાવેશ હિંમત મકવાણાએ રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, પોતાના વિસ્તારમાં આવેલી ફ્રેન્ડ સોસાયટીમાં મેલડી માંના મંદિર સામે કોમન પ્લોટ આવેલ હોય આ પ્લોટમાં રાજુલામાં રહેતા કુલદીપ વાળા, સુરેશ વાળા અને ચાર અજાણ્યા શખ્સોને જેસીબી ચલાવવા બાબતે પૂછપરછ કરતા આરોપીઓને સારૂં નહી લાગતા ૬ આરોપીઓએ એકસંપ કરી ફરિયાદીને જેમફાવે તેમ ગાળો આપી આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ આરોપીઓએ ફરિયાદીને કહેલ કે પોલીસ ફરિયાદ કરવી હોય તો કરી દેજે તને આજે જીવતો જવા દેવો નથી તેમ કહી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે રાજુલાનાં પીએસઆઈ એમ.એસ.ચૌહાણ તપાસ ચલાવી રહ્યા છે.