ભારે વાહનોને પ્રવેશબંધી હોવા છતાં જાહેરનામાનો ઉલાળીયો
રાજુલામાં ભારે વાહનોને શહેરમાં પ્રવેશબંધી હોવા છતાં તેનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે અને જાહેરનામાનો ઉલાળીયો કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજુલા શહેરમાં મહુવા જકાતનાકા પાસે આજે સાંજના સમયે કુળદેવી ટ્રાવેલ્સ નામની બસ જે ઉનાથી સુરત જતી હતી જે રાજુલાથી સાંજના સાત કલાકે ઊપડી જે મહુવા જકાતનાકા પાસે પહોંચતા અચાનક સાઈડમાં ગટરના ખાડાના પાણીમાં આ બસ લટકી પડી હતી અને બસ લટકી પડતા બસના પેસેન્જરોમાં અફડા તફડી જોવા મળી હતી અને ભર શિયાળે પરસેવો જોવા મળ્યો હતો. આ ઘટના બનતા તમામ પેસેન્જરને સહી-સલામત નીચે ઉતારવામાં આવ્યા. આ ઘટનાના સમાચાર વાયુવેગે શહેરમાં પ્રસરતા ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા એકત્રિત થયા હતા. બસને કાઢવા માટે સતત બે કલાકની ભારે જહેમત બાદ ક્રેનની મદદથી આ બસને બહાર કાઢવામાં આવી હતી. શહેરમાં પ્રવેશબંધી હોવા છતાં ખુલ્લેઆમ ભારે વાહનો પ્રવેશી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવું શહેરીજનો ઈચ્છી રહ્યાં છે.