રાજુલા ખાતેની સિટી સર્વે ઓફિસમાં છેલ્લા ત્રણ માસથી કાર્યક્ષમતાનો અભાવ જોવા મળી રહ્યો છે. અધિકારીની અવારનવાર ગેરહાજરી અને કામગીરીની અન્યત્ર ફાળવણી થવાને કારણે પ્રોપર્ટી કાર્ડ માટે આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજુલા સિટી સર્વે ઓફિસમાં પ્રોપર્ટી કાર્ડ જેવા મહત્વના દસ્તાવેજો બનતા હોય છે. આ કાર્ડ લોન લેવા, મિલકત વેચાણ વગેરે જેવી કામગીરી માટે જરૂરી હોય છે પરંતુ અધિકારીની ગેરહાજરીને કારણે આ કામગીરી અટકી પડી છે. જાણવા મળ્યા મુજબ, રાજુલા સિટી સર્વે અધિકારીને જાફરાબાદ અને ડુંગરની ઓફિસનો ચાર્જ સોંપવામાં આવ્યો છે જેના કારણે રાજુલા ઓફિસમાં માત્ર એક કરાર આધારિત કર્મચારી જ હાજર રહે છે. જેને કારણે લોકોને તેમનું કામ કરાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ સમસ્યાને લઈને રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ગૌરંગભાઈ મહેતાએ ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર અને લેન્ડ રેકર્ડ ઓફિસના અધિકારીને પત્ર લખીને આ સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી છે.