રાજુલા તાલુકાની ૧૦૮ની ટીમને રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી છે. રાજુલા ૧૦૮ એમ્બ્યુલન્સને ગત ૨૦ ઓગસ્ટની રાત્રે ૦૯ઃ૧૯ કલાકે અમરેલી જિલ્લાના દરિયાકાંઠે આવેલ અંતરિયાળ ગામ ચાંચબંદર ગામનો કેસ મળ્યો હતો. કેસ મળતાની સાથે જ રાજુલા ૧૦૮ ની ટીમ તુરંત સ્થળ પર પહોંચી તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે એક સગર્ભા માતાને પ્રસૂતિની અસહ્ય પીડા હતી અને તે માતાએ પોતાના ઘરે એક નવજાત શિશુને થોડા ટાઈમ પહેલા જ જન્મ આપ્યો હતો પરંતુ જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે બાળક સામાન્ય રીતે રડતું હોય છે પરંતુ આ બાળક રડતું ન હતું તેમજ તેના જે હૃદયના ધબકારા હતા એ પણ ખૂબ જ ઓછા હતા. જેથી ઇએમટી પ્રવીણ બાંભણિયાએ બાળકને તુરંત લઈ અને તેની સારવાર આપવાની ચાલુ કરી હતી જે અંતર્ગત નવજાત શિશુને હૃદયના ધબકારા ઓછા હતા એટલે CPR એટલે કે છાતી પર દબાણ અને
કૃત્રિમ શ્વાસ આપીને બાળકનો જીવ બચાવ્યો હતો. તેમજ પ્રસૂતિ બાદ માતાની હાલત પણ નબળી હોય જેથી ૧૦૮ કોલ સેન્ટર પર ઊપસ્થિત ઉપરી ડોક્ટર સાથે વાતચીત કરી અને એમની સૂચના મુજબ જરૂરી ઈન્જેકશન અને બોટલ ચડાવવામાં આવ્યા હતા. આમ, ઇ.એમ.ટી. પ્રવીણ બાંભણિયા અને પાઇલોટ ગિરીશ સોંદરવા દ્વારા યોગ્ય સમયસૂચકતા વાપરી અને પોતાની સૂઝબૂઝથી નવજાત બાળક અને માતાને સમયસર યોગ્ય સારવાર આપી જીવ બચાવવામાં આવ્યો હતો.આ કેસને રાષ્ટ્રીય સ્તરે સર્વશ્રેષ્ઠ કેસ તરીકેનું સિલેક્શન થયું અને આ કેસમાં સારવાર આપનાર ઈ.એમ.ટી. અને પાઇલોટ બંને કર્મચારીઓને ઇ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા રાષ્ટ્ર કક્ષાનો એવોર્ડ એનાયત કરાયો છે. આ કાર્યની અન્ય સ્થાનિક તબીબોએ પણ આવકારી પ્રસંશા કરી હતી.