રાજુલા અને જાફરાબાદમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ધાતરવડી ડેમ-૧માંથી બંને નગરપાલિકાઓની જૂની જી.યુ.ડી.સી. હસ્તકની પાઈપલાઈન જર્જરિત થઈ ગઈ છે. ધારાસભ્યની રજૂઆત બાદ નવી પાઈપલાઈન માટે મંજૂરી મળી હતી. જોકે, કેટલાક લોકોના વિરોધને કારણે કામગીરી અટકી પડી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જો ઉનાળા પહેલાં નવી પાઈપલાઈન નહીં નંખાય તો પાણીની ગંભીર સમસ્યા સર્જાશે. નવી પાઈપલાઈન નંખાય તો ધાતરવડી ડેમ-૧માંથી સીધું પાણી રાજુલા પહોંચશે. નગરપાલિકાએ વિસ્તાર પ્રમાણે પાણીના સમ્પ બનાવ્યા છે, જેમાં પાણી સંગ્રહ કરી શકાશે. આ નવી પાઈપલાઈનથી પાણીની કાયમી સમસ્યાનું નિરાકરણ આવશે.