રાજુલા નજીકના સોમનાથ-ભાવનગર હાઈવે પર હિંડોરણાના પુલ પર બોલેરો ગાડી પલટી જતાં ૨૦ જેટલા લોકો ઘાયલ થયા હતા. યાત્રાળુઓ બગદાણાથી જાત્રા કરીને ઉના તરફ જઈ રહ્યા હતા ત્યારે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં આજુબાજુના તમામ લોકો એકત્ર થયા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢીને બે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા રાજુલાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ તમામ યાત્રાળુઓ નવા વર્ષના દિવસે ઉનાથી બગદાણા ચાલીને ગયા હતા અને તેમને લેવા માટે બોલેરો ગાડી ગઇ હતી. આ બોલેરો ગાડી રાજુલા નજીક આવતા સામેથી રોંગ સાઈડમાં આવી રહેલા વાહનને બચાવવા માટે ડ્રાઇવરે પોતાની ગાડીને એક તરફ લેતા ગાડી પરનો કાબુ ગુમાવ્યો હતો અને તે પલટી ગઇ હતી તેવું ઘટનાના સાક્ષીઓએ જણાવેલ હતું. આ ઘટના બાબતે રાજુલા પોલીસ વધુ તપાસ કરી રહી છે.