રાજુલા પોલીસે ગણતરીની કલાકોમાં એક ગંભીર હત્યાના કેસનો ભેદ ઉકેલ્યો છે. બે માસથી ગુમ થયેલી મહિલાની હત્યા તેના પ્રેમીએ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હિંડોરણા ક્રિષ્ના પાર્ક સોસાયટીની ૩૫ વર્ષીય સોનલબેન ચુડાસમાની માતાએ ૨૫ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમની દીકરી બે માસથી ગુમ છે. પોલીસ ઈન્સ્પેક્ટર વી.એમ. કોલાદરાએ તાત્કાલિક તપાસ શરૂ કરી અને સર્વેલન્સ સ્કવોડ સહિતની અલગ-અલગ ટીમો બનાવી હતી. તપાસમાં બહાર આવ્યું કે સોનલબેનને બાબરીયાધાર ગામના ભાવેશ પરમાર સાથે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમસંબંધ હતો. પૂછપરછમાં આરોપી ભાવેશે કબૂલ્યું કે અઢી મહિના પહેલા તેણે સોનલબેનને બાબરીયાધાર ગામની સીમમાં લઈ જઈ કુહાડીના ઘા મારી હત્યા કરી હતી અને મૃતદેહને અવાવરુ કૂવામાં ફેંકી દીધો હતો. ૩૦ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ સાવરકુંડલા ડિવિઝનના એએસપી વલય વૈધ, પીઆઈ વી.એમ. કોલાદરા તથા અન્ય અધિકારીઓની હાજરીમાં કૂવામાંથી માનવ કંકાલ મળી આવ્યું હતું. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.