પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાયેલી છે. ત્યારે રાજુલા શહેરના સમસ્ત મુસ્લિમ સમાજે પણ આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શુક્રવારની નમાઝ પૂર્ણ થયા બાદ રાજુલાના તબક્કલ નગરમાં આવેલી મસ્જિદ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજના લોકો એકઠા થયા હતા. તેમણે મૌન પાળીને મૃતકોને યાદ કર્યા હતા અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ દરમિયાન યુવાનોએ હાથ પર કાળી પટ્ટી બાંધીને પોતાનો શોક વ્યક્ત કર્યો હતો. રાજુલા શહેરના મુસ્લિમ સમાજના પ્રમુખે આ ઘટનાને દુઃખદ ગણાવી હતી અને તેને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. આ પ્રસંગે રાજુલાના મુસ્લિમ અગ્રણી અને એડવોકેટ રાજુભાઈ જોખિયાએ જણાવ્યું હતું કે નિર્દોષ લોકો પર હુમલો કરનારા આતંકવાદીઓને તાત્કાલિક પકડીને સજા થવી જોઈએ, એવી સમસ્ત મુસ્લિમ સમાજની માંગણી છે.