રાજુલા શહેરની સરકારી હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસથી વર્ગ-૩ અને વર્ગ -૪ના કર્મચારીઓની વિવિધ માંગ સાથે રાજુલા શહેરમાં હડતાલ ચાલી રહી હતી અને રાજુલા શહેરમાં વિવિધ જગ્યાએ આવેદનપત્રો આપવામાં આવેલ તેમજ અમરેલીના જિલ્લા કલેક્ટરને પણ આવેદનપત્ર પાઠવવામાં આવેલું અને ત્યારબાદ આ કર્મચારીઓ દ્વારા ઉગ્ર આંદોલન સહિતની ચીમકી ઉચ્ચારવામાં આવેલી ત્યારે સ્થાનિક અધિકારીઓ તેમજ અમરેલીના અધિકારીઓ દ્વારા આ કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરવામાં આવતા તેમને તાત્કાલિક રાજુલા બોલાવવામાં આવ્યા હતા. આ કંપનીના મુખ્ય ઓનર યોગેશ જોશી જે આજે રાજુલા આવતા સરકારી હોસ્પિટલમાં ત્રણ કલાક સુધી આ કર્મચારીઓ સાથે મિટિંગ યોજવામાં આવી હતી. આ મિટિંગમાં રાજુલા હોસ્પિટલના મુખ્ય અધિકારી અધિક્ષક હરેશ જેઠવા તેમજ આરએમઓ શક્તિરાજ ખુમાણ તેમજ રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઇ કોલાદરા તેમજ અમરેલીથી આવેલ લેબર કમિશનર મહાવીરસિંહ પરમાર, વકીલ અરવિંદભાઈ ખુમાણ તેમજ અન્ય વિવિધ આગેવાનો વિજયભાઈ વાઘ સહિતના લોકો આ મિટિંગમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને અંતે તમામ પ્રશ્નો હલ કરવાની ખાતરી મળતા સફાઈ કામદારો દ્વારા આ હડતાલનો અંત આવ્યો હતો.