મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓ પોતીકા નવા નગર સેવાસદનનું નિર્માણ કરી શકે તે માટે તેમને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સહાયમાં માતબર વધારો કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરેલા નિર્ણય અનુસાર રાજ્યની ‘અ’ વર્ગ તથા ‘બ’ વર્ગની નગરપાલિકાઓને હાલ નવું નગર સેવા સદન બનાવવા માટે આપવામાં આવતી રૂ. ૨ કરોડની સહાયમાં ત્રણ ગણા જેટલો વધારો કરવામાં આવ્યો છે. તદઅનુસાર ‘અ’ વર્ગની નગરપાલિકાઓને હવે નવું નગર સેવાસદન બનાવવા માટે રૂ. ૬ કરોડ તથા ‘બ’ વર્ગની નગરપાલિકાઓને રૂ. ૫ કરોડની સહાય રાજ્ય સરકાર આપશે. ‘ક’ વર્ગની નગરપાલિકાઓને રૂ. ૪ કરોડ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાઓને રૂ. ૩ કરોડ મળવાપાત્ર થશે.