ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ૫૬ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ બંધ થઈ ગઈ છે. આ માહિતી ખુદ રાજ્ય સરકારે વિધાનસભામાં રજૂ કરી છે. સરકારે જણાવ્યું છે કે વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાને કારણે આ શાળાઓ બંધ કરવી પડી છે.
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો કે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં કેટલી સરકારી શાળાઓ બંધ થઈ છે અને તેનાં કારણો શું છે. જેના જવાબમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે અમરેલીમાં ૬, અરવલ્લીમાં ૭, ભાવનગરમાં ૧, છોટા ઉદેપુરમાં ૩, ડાંગમાં ૧, દેવભૂમિ દ્વારકામાં ૯, ગીર સોમનાથમાં ૧, જામનગરમાં ૨, જુનાગઢમાં ૪, ખેડામાં ૨, કચ્છમાં ૩, મહેસાણામાં ૧, નવસારીમાં ૨, પંચમહાલમાં ૧, પોરબંદરમાં ૬, રાજકોટમાં ૩, સુરતમાં ૧ અને સુરેન્દ્રનગરમાં ૧ પ્રાથમિક સરકારી શાળા બંધ કરવામાં આવી છે.
સરકારે આ શાળાઓ બંધ થવાનું મુખ્ય કારણ વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા અથવા શૂન્ય સંખ્યા ગણાવી છે. ઘણા વિસ્તારોમાં વિદ્યાર્થીઓની સંખ્યા એટલી ઓછી થઈ ગઈ હતી કે શાળા ચલાવવી આર્થિક રીતે પોસાય તેમ નહોતું. જેના કારણે સરકારને આ શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો.
સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા હંમેશાં ચર્ચાનો વિષય રહી છે. એવું માનવામાં આવે છે કે ખાનગી શાળાઓની સરખામણીમાં સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર નીચું હોય છે. આ જ કારણ છે કે આર્થિક રીતે નબળા વાલીઓ પણ દેવું કરીને પોતાના બાળકોને ખાનગી શાળામાં ભણાવવાનું પસંદ કરે છે. જાકે, ગરીબ પરિવારો માટે સરકારી શાળાઓ જ એકમાત્ર વિકલ્પ હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી શાળાઓની સ્થિતિ વધુ કથળી છે. જેના કારણે વાલીઓ સરકારી શાળાઓમાં પોતાના બાળકોને મોકલવાનું ટાળી રહ્યા છે. આના પરિણામે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે અને ઘણી શાળાઓ બંધ થવાના આરે આવી ગઈ છે.
ઘણા લોકો સરકારી શાળાઓમાં જ ભણ્યા છે અને તેઓ આજે જીવનમાં સફળ છે. આ દર્શાવે છે કે જો વિદ્યાર્થીઓ સમજણપૂર્વકનું શિક્ષણ મેળવે તો તેઓ પ્રગતિ કરી શકે છે, પછી ભલે તેઓ સરકારી શાળામાં ભણ્યા હોય કે ખાનગી શાળામાં. જાકે, આજે સરકારી શાળાનું નામ સાંભળતા જ લોકો તેમાં પોતાના બાળકોને ભણાવવા માટે ખચકાટ અનુભવે છે. આ માનસિકતા બદલવાની જરૂર છે. સરકારે સરકારી શાળાઓની ગુણવત્તા સુધારવા માટે ગંભીર પગલાં લેવાની જરૂર છે. જેથી કરીને ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પણ સારું શિક્ષણ મેળવી શકે.
સરકારે બંધ થયેલી શાળાઓના વિદ્યાર્થીઓ માટે નજીકની અન્ય સરકારી શાળાઓમાં શિક્ષણની વ્યવસ્થા કરી છે. પરંતુ સવાલ એ છે કે શું આ વિદ્યાર્થીઓને ત્યાં પણ એટલું જ સારું શિક્ષણ મળશે ? અને શું સરકાર ભવિષ્યમાં સરકારી શાળાઓને બંધ થતી અટકાવવા માટે કોઈ પગલાં લેશે ? આ સવાલોના જવાબ મળશે કે નહી તે જાવાનું રહ્યું.