સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખીને ટેકાના ભાવે મગફળીની ખરીદી માટેની સમયમર્યાદા વધારવાની માંગણી કરી છે. ધારાસભ્યએ જણાવ્યું કે તેમની પાસે અનેક ખેડૂતોની રજૂઆતો આવી છે કે જેમણે મગફળી વેચાણ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, પરંતુ હજુ સુધી તેમની મગફળીની ખરીદી થઈ શકી નથી. આ પરિસ્થિતિમાં નોંધાયેલા તમામ ખેડૂતોને ન્યાય મળે તે માટે સરકારે મગફળી ખરીદીની સમયમર્યાદા વધારવી જોઈએ. હાલમાં મગફળીના ભાવ ટેકાના ભાવ કરતાં ખૂબ નીચા હોય એક વખત સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી બંધ કરવામાં આવશે તો ખેડૂતોને મોટાપાયે નુકસાન થવાની શકયતા છે. જેથી નોંધણી કરાવેલા તમામ ખેડૂતોની મગફળી ખરીદાય ત્યાં સુધી ખરીદી શરૂ રાખવા માંગ કરી છે.