વાગડ વિસ્તારના રાપર તાલુકાના બેલા મૌઆણાના રણ વિસ્તારમાં રાપર તાલુકાના બેલા ગામ નજીક આવેલા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા રણ વિસ્તાર છે. અહીં માર્ગ નિર્માણ માટે સર્વેની કામગીરી ચાલી રહી છે. દરમિયાન અહીં કામ કરતી ખાનગી કંપનીના ઈજનેર ગુમ થયો છે. જેની શોધખોળ આજે ચોથા દિવસે પણ યથાવત છે. બીએસએફ અને પોલીસ દ્વારા ડ્રોન કેમેરા સહિતના સાધનોની મદદથી વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.ગત ૬ એપ્રિલે આ ઇજનેર ગુમ થયાની ઘટના બની હતી, જ્યારે ખાનગી કંપનીના ત્રણ કામદારો રણ વિસ્તારમાં સર્વે માટે ગયા હતા. આ દરમિયાન બે કામદારોને બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ ઈજનેર અર્નબ પાલ નામના એન્જીનિયરનો હજુ સુધી કોઈ અત્તોપત્તો મળ્યો નથી.
અદાણી કંપની દ્વારા ૫૦,૦૦૦ હેક્ટર જમીનમાં સોલાર પ્રોજેક્ટ માટે સર્વેની કામગીરી ચાલી રહી હતી. આ માટે પંદરેક ગાડીઓનો કાફલો બેલા ગામે પહોંચ્યો હતો. આ કાફલામાંથી એક ગાડી રણની અંદર ગઈ હતી, જેમાં ત્રણ લોકો સવાર હતા. રણમાં ગાડી આગળ ન જઈ શકતા બે લોકો ચાલીને અંદર ગયા હતા, જ્યારે ડ્રાઈવર ગાડી સાથે રાહ જાઈ રહ્યો હતો. કાળઝાળ ગરમીમાં બે કામદારો થાકતા પાછા ફર્યા.
આકરા તાપ અને પાણીની અછતને કારણે બે કામદારો થાકી ગયા હતા. તેઓ પાછા ફરતા હતા, ત્યારે એક સર્વેયર રણમાં જ બેસી ગયો હતો અને ઈજનેરને ગાડી લાવવા મોકલ્યો હતો. પરંતુ ગાડી લાવવા ગયેલો ઈજનેર અર્નબ પાલ ગુમ થઈ ગયો હતો. જેની શોધખોળની કામગીરી બાલાસર ખડીર પોલીસ અને બીએસએફના જવાનો દ્વારા ગત રાતથી જ શરૂ કરવામાં આવી છે. બીએસએફના ૭ વાહનો અને ડ્રોન કેમેરાની મદદથી રણ વિસ્તાર ખૂંદવામાં આવ્યો છે. રાત્રે પણ ઈજનેરના મોબાઈલની લાઈટ ચાલુ હોવાની આશાએ તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો.
જાણકારોની મદદથી રણના આસપાસના જંગમ વિસ્તારોમાં શોધખોળ કરવામાં આવી રહી છે. ગુમ થયેલા ઈજનેર તા.૬ ના લાપતા થયો હતો જેની શોધખોળ માટે સતત બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે પોલીસ, વન વિભાગ, બીએસએફ સહિતના ૧૨૫થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ આકરા તાપ અને રણના વિકટ પરિસ્થિતિઓ વચ્ચે ગુમ થયેલા ઈજનેરની શોધખોળ માટે સુરક્ષા તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.