આજે બંધારણ દિવસના અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું. આ સંયુક્ત સત્ર સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાયું હતું. મંગળવારે દેશમાં બંધારણ લાગુ થયાને ૭૫ વર્ષ પૂર્ણ થયા છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ બંધારણ દિવસના અવસર પર એક ખાસ સ્મારક સિક્કો પણ બહાર પાડ્યો હતો. રાષ્ટ્રપતિએ ખાસ ટપાલ ટિકિટ પણ બહાર પાડી. બંધારણ દિવસના અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી, ઉપરાષ્ટ્રપતિએ સંસ્કૃત ભાષામાં બંધારણની નકલનું વિમોચન પણ કર્યું.
બંધારણ દિવસ પર પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘બંધારણ દિવસના શુભ અવસર પર તમારી વચ્ચે આવીને હું ખૂબ જ ખુશ છું. આજે આપણે બધા એક ઐતિહાસિક અવસરના સહભાગી બની રહ્યા છીએ. ૭૫ વર્ષ પહેલા, સંસદના આ જ ચેમ્બરમાં દેશના બંધારણનો મુસદ્દો તૈયાર કરવાનું એક વિશાળ કાર્ય પૂર્ણ થયું હતું અને આ જ દિવસે આ બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. બંધારણ એ આપણા લોકતાંત્રિક મૂલ્યોનો પાયાનો પથ્થર છે. આજે, કૃતજ્ઞ રાષ્ટ્ર વતી, હું બંધારણ સભાના સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. બાબા આંબેડકરે બંધારણ સભાનું નેતૃત્વ કર્યું હતું.
રાષ્ટ્રપતિએ કહ્યું કે ‘ભારત લોકશાહીની માતા છે. આ ભાવનાથી જ અમે આ ખાસ અવસર પર ભેગા થયા છીએ. આપણે એવા અધિકારીઓના અમૂલ્ય યોગદાનને પણ યાદ રાખવું જાઈએ જેમણે પડદા પાછળ કામ કર્યું અને દેશના બંધારણીય મૂલ્યોને મજબૂત બનાવ્યા. જેમાં મુખ્ય ભૂમિકા બીએન રાવ દ્વારા ભજવવામાં આવી હતી, જેઓ બંધારણ સભાના સલાહકાર હતા. આવતી ૨૬મી જાન્યુઆરીએ આપણે આપણા પ્રજાસત્તાકની ૭૫મી વર્ષગાંઠ ઉજવીશું. આવા ઉત્સવો આપણી રાષ્ટ્રીય એકતાને પ્રતિબિંબિત કરે છે. દેશની વિવિધતામાં એકતા આપણી બંધારણ સભામાં પ્રદર્શિત થઈ હતી. આજે બહાર પાડવામાં આવેલા પુસ્તકોમાં, લોકો આપણા બંધારણના નિર્માણના ગૌરવપૂર્ણ ઇતિહાસ વિશે જાણશે. આપણું બંધારણ ઘણા વર્ષોની મહેનત પછી બન્યું હતું, પરંતુ તે આપણા સ્વતંત્રતા સંગ્રામનું પરિણામ હતું. ભારતના ન્યાય, સ્વતંત્રતા અને સમાનતાના આદર્શો પણ બંધારણમાં પ્રતિબિંબિત થયા છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે ‘બંધારણની ભાવના અનુસાર, લોકોના કલ્યાણ માટે કામ કરવાની કારોબારી, વિધાનસભા અને ન્યાયતંત્રની જવાબદારી છે. દેશના આર્થિક એકીકરણ માટે ય્જી્‌ લાગુ કરવામાં આવ્યો હતો. નારી શક્તિ વંદન અધિનિયમથી એક નવા યુગની શરૂઆત થઈ. સરકારે તમામ વર્ગો, ખાસ કરીને પછાત વર્ગોના કલ્યાણ માટે ઘણાં પગલાં લીધાં છે. ગરીબોને કાયમી મકાન, વીજળી, પાણી અને રસ્તા જેવી સુવિધાઓ મળી રહી છે. દેશમાં મોટા પાયે તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે અને ગુણવત્તાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવી રહ્યું છે. હું આ પ્રયાસો માટે સરકારની પ્રશંસા કરું છું.
રાષ્ટ્રપતિએ કહ્યું કે ‘ન્યાયતંત્ર પણ અન્ડરટ્રાયલ કેદીઓના કલ્યાણ માટે પ્રયાસો કરી રહ્યું છે. ઓછા સંસાધનો ધરાવતા લોકોને ન્યાય આપવા માટેની સુવિધાઓ વધી રહી છે. આ આપણા બંધારણીય અધિકારોને મજબૂત બનાવે છે. સમાજમાં સમરસતા પેદા કરવા, મહિલાઓના અધિકારો અને પર્યાવરણની ખાતરી વગેરે જેવા ક્ષેત્રોમાં કામ કરવામાં આવી રહ્યું છે. આપણું બંધારણ જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ છે. અમે બંધારણ દ્વારા સામાજિક ન્યાયના ઘણા લક્ષ્યો હાંસલ કર્યા છે. આપણા બંધારણના ઘડવૈયાઓએ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને મજબૂત કરવાનો સંદેશ આપ્યો છે. આજે આર્થિક રીતે મજબૂત બનવાની સાથે સાથે દેશ વિશ્વબંધુના વિચારોને પણ આગળ વધારી રહ્યો છે.
દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડા. રાજેન્દ્ર પ્રસાદને યાદ કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે ‘બંધારણ સભાના દૂરંદેશી સભ્યોએ પ્રેરણાદાયી બંધારણ આપ્યું, જે અન્ય દેશો માટે પણ એક મોડેલ છે. ડા. રાજેન્દ્ર પ્રસાદે આજે કહ્યું હતું કે બંધારણને જીવંત રાખવું એ તેનો વહીવટ કરનારાઓ પર નિર્ભર છે. બંધારણમાં જે લખ્યું નથી તે પરંપરાઓ દ્વારા સંચાલિત થાય છે. હવે ત્રણ-ચતુર્થાંશ સંવિધાન યાત્રા પછી દેશે નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. આવનારી પેઢીઓને આ સફળતાઓથી વાકેફ કરવી જાઈએ.
રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે બંધારણની ભાવના મુજબ સામાન્ય લોકોના જીવનને સરળ બનાવવા માટે કાર્યપાલિકા, વિધાનસભા અને ન્યાયતંત્રની જવાબદારી છે કે તેઓ સાથે મળીને કામ કરે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન, સરકારે સમાજના તમામ વર્ગો, ખાસ કરીને નબળા વર્ગોના વિકાસ માટે ઘણા પગલાં લીધાં છે. આવા નિર્ણયોને કારણે લોકોના જીવનમાં સુધારો થયો છે અને તેમને પ્રગતિની નવી તકો મળી રહી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારે દેશના બંધારણને અપનાવવાની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે સંસદમાં ૭૫ રૂપિયાનો સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડી. નવી દિલ્હીમાં સંવિધાન ગૃહના સેન્ટ્રલ હોલમાં આયોજિત એક સમારોહ દરમિયાન આ ઐતિહાસિક સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો.