એક સપ્ટેમ્બરની ‘સંજોગ ન્યૂઝ’ની ‘રસધાર’ પૂર્તિમાં આપણે બાંગ્લાદેશની જેમ ભારતમાં પણ મોદી સરકાર ઉથલાવવા અમેરિકી રાજદ્વારીઓના ઉધામા વિશે વિગતવાર વાત કરી હતી. અમેરિકી રાજદ્વારીઓ અસદુદ્દીન ઓવૈસી, એમ. કે. સ્ટાલિન, આદિત્ય ઠાકરે, ઓમર અબ્દુલ્લાને મળી રહ્યા હતા. આ એ જ રાજદ્વારીઓ હતા જેમના પર બાંગ્લાદેશનું મીડિયા શૈખ હસીનાની સરકારને ઉથલાવવા આ જ ઢબે ત્યાંના રાજકારણમાં સક્રિય થયાનો આક્ષેપ કરતું હતું. શું એ યોગાનુયોગ કહી શકાય કે રાહુલ ગાંધી અમેરિકામાં ત્રણ દિવસની મુલાકાતે ગયા તે જ સમયે અથવા તેની આસપાસ ઇણ્ડિ ગઠબંધનના મહ¥વના નેતાઓ અથવા તો ભાજપ વિરોધી છાવણીના નેતાઓ – તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિન, તમિલનાડુના અભિનેતા કમલ હાસન, કર્ણાટકના ઉપ મુખ્ય પ્રધાન ડી. કે. શિવકુમાર પણ અમેરિકા ગયા? બધા પાસે પોતપોતાનાં કારણો હોય તે તો સ્વાભાવિક છે, પરંતુ એક સાથે આ બધાના જવાથી ઘણા રાજકીય વિશ્લેષકો કંઈક મોટું રંધાઈ રહ્યાનું જણાવે છે. અને તેમાં એક નિવેદન રાહુલ ગાંધીનું ભારતમાં શીખોની કપોળકલ્પિત પ્રતાડના વિશે આવ્યું અને તેમની ભારત વિરોધી મુસ્લિમ સાંસદ ઇલ્હાન ઓમર સાથે મુલાકાતે તાળો બેસાડી દીધો. ભારતમાં એક પણ એવા સમાચાર કે વીડિયો નથી જેમાં શીખોને પાઘડી ન પહેરવા દેવાતી હોય, તેમને કડું ન પહેરવા દેવાતું હોય, તેમને ગુરુદ્વારા ન જવા દેવાતું હોય પરંતુ રાહુલ ગાંધીએ અમેરિકાની ધરતી પર કહ્યું કે ભારતમાં શીખોને હેરાન કરાય છે. રાહુલ ગાંધી ભૂલી ગયા કે તેમના પિતા રાજીવ ગાંધીના સમયમાં તેમનાં દાદી અને તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યાનો બદલો લેવા માટે કાંગ્રેસીઓએ શીખોને ગળામાં ટાયર પહેરાવીને દોડાવી-દોડાવી માર્યા હતા અને આ રીતે શીખોને હિન્દુઓ વિરુદ્ધ કરી દીધા હતા. તે પછી ખાલિસ્તાનનો મુદ્દો કેટલો ઊછળ્યો હતો અને તેમાં કેટલા હિન્દુઓ મરી ગયા હતા! નરસિંહ રાવની સરકારમાં કે. પી. એસ. ગિલને છૂટો દોર અપાયો એટલે આ સમસ્યા થાળે પડાઈ, પરંતુ મોદી સરકાર આવ્યા પછી કેજરીવાલની સરકાર આવ્યા પછી ખાલિસ્તાનીઓને છૂટો દોર મળ્યો જ, હવે કાંગ્રેસ-રાહુલ ગાંધી પણ ખાલિસ્તાનીઓને ગમે તેવી વાત કરવા લાગ્યા છે. રાહુલ ગાંધીએ ઉપરોક્ત નિવેદન કર્યું એટલે અમેરિકામાં બેઠેલા ખાલિસ્તાની ગુરપતવંતસિંહ પન્નુએ તેને ઝીલી લીધું. ખાલિસ્તાનીઓને એક એજન્ડા મળી ગયો. આ પહેલાં રાહુલ ગાંધી અમેરિકા અને બ્રિટન ગયા હતા ત્યારે ભારતમાં મુસ્લિમોની અને દલિતોની કેટલી હેરાનગતિ થાય છે તેનાં જૂઠાણાં ચલાવ્યાં હતાં. અમેરિકાના માનવ અધિકાર રિપાર્ટ, પંથીય સ્વતંત્રતા અંગેના રિપાર્ટ બનાવતી એજન્સીઓને તો આનાથી બખ્ખા જ થઈ જશે કે જુઓ, અમે નહીં કહેતા, સંસદમાં તમારા વિપક્ષના નેતા કહે છે! જમ્મુ-કાશ્મીર-લદ્દાખ (ત્યારે સંયુક્ત રાજ્ય હતું)માંથી પાંચ આૅગસ્ટ ૨૦૧૯એ અનુચ્છેદ ૩૭૦ હટાવી દેવામાં આવ્યો ત્યારે પણ રાહુલ ગાંધીએ તેને સત્તાનો દુરુપયોગ કહ્યો હતો અને વિભાજનકારી નેતાઓને નજરકેદ કરવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેમણે દળોનો ક્રૂર રીતે ઉપયોગ મોદી સરકાર કરતી હોવાનું કહ્યું હતું. તેમના નિવેદનને ટાંકીને પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રોમાં અનુચ્છેદ ૩૭૦ દૂર કરવાની વિરુદ્ધ પત્ર લખ્યો હતો. રાહુલ ગાંધીનાં આ ઉપરોક્ત નિવેદનોને માત્ર રાજકીય ગણાવીને તેમને એકબાજુએ મૂકી શકાય તેમ નથી. આ જ નિવેદનો યાસીન મલિક, ગુરપતવંતસિંહ પન્નુને કર્યા હોત તો? શું આને દેશદ્રોહ ન ગણી શકાય? શું માત્ર ધર્મસંસદમાં થતાં ભાષણોને જ ઉશ્કેરણીજનક ભાષણ ગણાવીને સર્વોચ્ચ ન્યાયાલય તેના માટે સરકારને ઠપકો આપશે? શું માત્ર ટીવી ડીબેટમાં ઉશ્કેરણીજનક વાતો માટે સર્વોચ્ચ ન્યાયાલય ટીવી ન્યૂઝ ચેનલોને ઠપકો આપશે? શું એવો કોઈ કાયદો ન બનાવી શકાય કે સત્તા માટે કોઈ વ્યક્તિ દેશદ્રોહની હદ સુધી ન જઈ શકે? ભારત વિરોધી ભાષણો ભારતની ધરતી પર કે બહાર ન કરી શકે? ન્યાયાલય આતંકવાદીઓ પ્રત્યે કેમ આટલું કૂણું છે? યાકૂબ મેમણ માટે અડધી રાત્રે સર્વોચ્ચની બેઠક થઈ શકે છે. ભલે તેની ફાંસી તેનાથી અટકતી નથી. પરંતુ કેટલી બધી પ્રક્રિયા પછી, નીચલી કાર્ટ, હાઇ કાર્ટ, સુપ્રીમ કાર્ટ, રિવ્યૂ પિટિશન, રાષ્ટ્રપતિ સમક્ષ અરજી વગેરે પ્રક્રિયા છતાં ફાંસીની આગલી રાત્રે ન્યાયાલય બેસે? તેના માટે અરજી કરનારાઓ શું દેશદ્રોહીઓ ન ગણાય? તેના માટે કેસ લડનારા વકીલો દેશદ્રોહીઓ ન ગણાય? રાજકોટના અગ્નિકાંડમાં વકીલો આરોપીઓ (હજુ દોષિત સાબિત નથી થયા) માટે કેસ નહીં લડવા જાહેરાત કરે છે કારણકે મીડિયાએ તેમને દોષિત સાબિત કરી દીધા છે. આ જ વાત આતંકવાદીઓ માટે, કોલકાતાના બળાત્કારના આરોપીઓ માટે કેમ લાગુ નથી પડતી. જમ્મુ-કાશ્મીરની ચૂંટણી ૧૮ સપ્ટેમ્બરથી ૮ આૅક્ટોબર ૨૦૨૪ દરમિયાન યોજાવાની છે. તે પહેલાં જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા (ત્રાસવાદી જ કહેવું જોઈએ) શબીર અહમદને ન્યાયાલય જામીન આપી દે છે. એ અલગ વાત છે કે તેની સામે બીજા કેસો હોવાથી તેને જેલમાંથી મુક્તિ નથી મળતી. આ જ રીતે ત્રાસવાદીઓને ભંડોળ પૂરું પાડવાના આરોપમાં જેલમાં બંધ એન્જિયર રાશીદને જેલમાં બેઠા-બેઠા લોકસભાની ચૂંટણી લડવાની છૂટ મળી જાય છે. અને જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણી પહેલાં તેને ૧૦ સપ્ટેમ્બરે જામીન પણ દિલ્લીનું ન્યાયાલય આપી દે છે અને તે જમ્મુ-કાશ્મીરમાં પ્રચાર કરવા પહોંચી જાય છે.
આ જ રીતે ખાલિસ્તાની
અમૃતપાલસિંહને પણ જેલમાં બેઠા-બેઠાં ચૂંટણી લડવામાં પંજાબની આઆપ સરકાર સહાયતા કરે છે, તે પણ જેલમાં બેઠા-બેઠા ચૂંટણી જીતી જાય છે અને તેને સાંસદ તરીકે શપથ લેવડાવવા વિશેષ વિમાનમાં દિલ્લી લાવવામાં આવે છે! અત્યારે તો રાહુલ ગાંધીને એક તરફ, શીખ-મુસ્લિમો પર અત્યાચાર થતા હોવાનું ગાણું ગાવું છે અને બીજી તરફ, હિન્દુઓને જાતિમાં વિભાજીત કરવા છે. તે માટે જાતિગત જનગણના કરાવવી છે. પરંતુ કોઈ મીડિયા એ પ્રશ્ન ઉઠાવતું નથી કે તેમના પિતાના નાના અને દેશના વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ કેમ જાતિગત જનગણના બંધ કરાવી હતી? મુખ્ય પ્રધાનોને પત્રમાં કેમ અનામતનો વિરોધ કર્યો હતો? ૨૦૧૧માં સોનિયા-રાહુલની કઠપૂતળી સરકાર હતી ત્યારે કેમ જાતિગત જનગણનાના આંકડા જાહેર નહોતા કર્યા? એ તો તેર વર્ષ પહેલાંની વાત થઈ, પરંતુ કર્ણાટકમાં કાંગ્રેસની સરકારે જાતિગત જનગણના કરાવી તેના આંકડા કેમ બહાર નથી પાડ્‌યા? રાહુલ ગાંધી મિસ ઇણ્ડિયા અને હિન્દી ફિલ્મોમાં પણ જાતિવાદ લાવે છે. તેઓ કહે છે કે મિસ ઇન્ડિયાની સૂચિ જોઈ. તેમાં દલિત, આદિવાસી, ઓબીસી મહિલાઓ નથી. અરે! ભાઈ! ત્યાં જાતિ નથી જોવાતી! હિન્દી ફિલ્મોનો ઇતિહાસ જોઈ લો. તેમાં શરૂઆતથી જ મહેબૂબ ખાન, નરગીસ, મીના કુમારી, વહીદા રહેમાન, સુરૈયા, શકીલા, મુમતાઝ, સાયરાબાનો, દિલીપકુમાર (યુસૂફ ખાન), મહેમૂદ, યાકૂબ, ફારુખ શૈખ, નસીરુદ્દીન શાહ, શબાના આઝમી, કાદર ખાન, અનવર હુસૈન, શકીલ બદાયૂંની, નૌશાદ, ગુલામ મોહમ્મદ, મોહમ્મદ રફી, નૂરજહાં, શમશાદ બેગમ, અનવર, મઝહર ખાન, ઝીન્નત અમાન, પરવીન બાબીથી માંડીને શાહરુખ-સલમાન- આમીર, અબ્બાસ-મસ્તાન વગેરે ખાનોનો દબદબો રહ્યો છે. ઓબીસી બાબુભાઈ મિસ્ત્રી, પારસી સોહરાબ મોદી, દિન્યાર કાન્ટ્રાક્ટર, યહૂદી ડેવિડ, નાદિરા, સુલોચના વગેરે અનેક પંથ-સંપ્રદાય- જાતિના લોકો રહ્યા છે.
હવે મિસ ઇન્ડિયાની પણ વાત કરી લઈએ. સૌથી પહેલી મિસ ઇન્ડિયા ઇસ્થર વિક્ટારિયા અબ્રાહમ (પ્રમિલા) યહૂદી હતી. આ ઉપરાંત મુસ્લિમ હબીબ રહમાનને પરણેલી ઇન્દ્રાણી રહેમાન પરણ્યા પછી મિસ ઇન્ડિયા બની હતી. ‘પીસ કંવલ’ (જી હા, ીઁટ્ઠષ્ઠી નામ હતું) ખ્રિસ્તી, ફ્‌લર ઇઝેકિએલ યહૂદી, લાના પિન્ટો ખ્રિસ્તી, અંજુમ મુમતાઝ બર્ગ મુસ્લિમ, નવનીત કૌર ધિલ્લોન શીખ હતી/છે. આમ, દરેક પંથનું પ્રતિનિધિત્વ છે, પરંતુ કંઈ મિસ ઇન્ડિયા તરીકે ચૂંટતી વખતે નિર્ણાયકો એમ ન જુએ કે હા, ચાલો, આ વખતે ખ્રિસ્તી છે તેને બનાવીએ. ગયા વખતે ખ્રિસ્તીને બનાવી હતી તો આ વખતે મુસ્લિમને બનાવીએ. એટલે મિસ ઇન્ડિયામાં દલિત, ઓબીસી, આદિવાસી નથી તેમ કહી રાહુલ ગાંધી સામ્યવાદીઓ (ખાસ તો જેએનયૂ બ્રાન્ડ સામ્યવાદીઓ)નો બ્રાહ્મણવાદ ચલાવવા ગયા પરંતુ ખૂબ ખરાબ રીતે ભોંઠા પડ્‌યા.
આ જાતિવાદનું કાર્ડ કેટલું ભયંકર છે તે કદાચ રાહુલ ગાંધી જાણતા નથી. જાણતા હોય તો તેઓ સત્તા મેળવવા કેટલા અધીર બન્યા છે અને કઈ હદે નીચે ગયા છે તે જોવું જોઈએ. જાતિવાદ હોય કે દેશની બહારથી આવેલા પંથો, જેમના લોકો બહારની શક્તિઓથી સંચાલિત થતા હોય, કે બહારની વિચારધારામાં માનતા લોકો, તે બધાના કારણે દેશમાં કઈ હદે અરાજકતા ફેલાઈ શકે તેનું સચોટ ઉદાહરણ લેબેનોન છે. લેબેનોનમાં ત્રણ મુખ્ય વસતિ હતી- ખ્રિસ્તીઓ, મુસ્લિમો અને સામ્યવાદીઓ. ૧૯૪૩માં લેબેનોન ફ્રાન્સથી સ્વતંત્ર થયું. તેમાં રાહુલ ગાંધી કહે છે તેમ અનામત રાખવામાં આવી. આથી રાષ્ટ્રપ્રમુખ ખ્રિસ્તી મેરોનાઇટ, વડાપ્રધાન સુન્ની મુસ્લિમ અને સંસદના અધ્યક્ષ (સ્પીકર) શિયા મુસ્લિમ બનવા જોઈએ, તેવો ચીલો પડ્‌યો. બીજી તરફ, ૧૯૪૮માં ઇઝરાયેલ પાછું મેળવવા યહૂદીઓ અને આરબ દેશો સામે પડ્‌યા. આથી જેમ ભારતમાં ૧૯૭૧માં પાકિસ્તાનની સેનાના અત્યાચારોના નામે બાંગ્લાદેશી મુસ્લિમ ઘૂસણખોરોને ઘૂસવા દેવાયા અને અત્યાર સુધી આવે જ જાય છે અને મ્યાંમારમાં બૌદ્ધોના કહેવાતા ત્રાસ (જે ખરેખર તો રોહિંગ્યા મુસ્લિમોના ઉત્પાતનો પ્રતિકાર હતો)થી ભાગીને આવેલા રોહિંગ્યા મુસ્લિમોને વસાવાયા તેમ લેબેનોનમાં પેલેસ્ટાઇનથી મુસ્લિમો ભાગીને આવી ગયા. તે સમયે ઇજિપ્તના વડા ગમલ અબ્દેલ નાસીરે પશ્ચિમના દેશોથી બચવા આરબ દેશોને એક થવા યુનાઇટેડ આરબ રિપબ્લિક (યુએઆર) રચવા આહવાન કર્યું હતું. થયું એવું કે લેબેનોનના સુન્ની મુસ્લિમ વડાપ્રધાન રશીદ કરામીએ નાસીરનું સમર્થન કર્યું. લેબેનોનના મુસ્લિમોએ લેબેનોનની સરકાર પર યુએઆરમાં જોડાવા દબાણ કર્યું તો તેના રાષ્ટ્રપ્રમુખ કેમિલ ચામોઉન જે ખ્રિસ્તી હતા તેમને પોતાની સત્તા ભયમાં લાગી. આથી તેમણે અમેરિકાની મદદ માગી, ગયા વર્ષે જેમ રાહુલ ગાંધીએ લોકશાહીની સ્થાપના માટે ભારતમાં પોતાની સત્તા માટે અમેરિકા અને પશ્ચિમના બીજા દેશોની મદદ માગી હતી તે જ રીતે. આ બાજુ લેબેનોનના સામ્યવાદીઓ યુએસએસઆર (આજનું રશિયા) તરફી હતા. તે વખતે યુએસએ અને યુએસએસઆર વચ્ચે શીત યુદ્ધ ચાલી રહ્યું હતું. બંને દેશો સમગ્ર વિશ્વને પોતપોતાના આધિપત્યમાં આણવા એક કે બીજી રીતે પ્રયાસો કરી રહ્યા હતા. પરિણામે લેબેનોન ત્રણેય દેશો- અમેરિકા, ઇજિપ્ત અને યુએસએસઆર માટે આધિપત્ય માટેની સામગ્રી બની ગયું. નાસીરે પાપ્યૂલર ફ્રન્ટ ફાર ધ લિબરેશન આૅફ પેલેસ્ટાઇન (પીએફએલપી) અને પીએલઓને લેબેનોન મોકલી દીધાં. ભારતની કાંગ્રેસ સરકાર જેમને શાંતિ દૂત ગણીને પુરસ્કૃત કરતી હતી તેવા પેલેસ્ટાઇન માટે લડતા યાસીર અરાફત પણ ભાગીને લેબેનોન ગયા. આથી લેબેનોનમાં ખ્રિસ્તી મેરોનાઇટના સશસ્ત્ર જૂથ, પેલેસ્ટાઇનના નામે આતંકવાદી મુસ્લિમ જૂથ, તેમજ લેબેનોન નેશનલ મૂવમેન્ટના નામે સામ્યવાદી જૂથ એમ મુખ્યત્વે ત્રણ સમુદાય અથવા વિચારધારા વચ્ચે ગૃહ યુદ્ધ ફાટી નીકળ્યું. આ ગૃહ યુદ્ધ એક-બે વર્ષ નહીં પરંતુ પૂરાં પંદર વર્ષ – ૧૯૭૫થી ૧૯૯૦ ચાલ્યું! તેમાં દોઢ લાખ લોકો માર્યા ગયા! દસ લાખ લોકો લેબેનોન છોડી ભાગી ગયા! લેબેનોનના અર્થતંત્રને ભયંકર નુકસાન થયું. આજે પણ ત્યાં હિઝબુલ્લાહ નામનું આતંકવાદી સંગઠન કાર્યરત હોવાના કારણે હિઝબુલ્લાહ ઈઝરાયેલ પર અને ઇઝરાયેલ હિઝબુલ્લાહ પર આક્રમણ કરવા લેબેનોન પર મિસાઇલમારો કરે છે. શું આપણે લેબેનોનવાળી કરવી છે? કારણકે અહીં પણ અસદુદ્દીન ઓવૈસી, બદરુદ્દીન અજમલ, અને રાહુલ ગાંધી, મમતા બેનર્જી, અખિલેશ યાદવ, જેવા લોકો મુસ્લિમ કટ્ટરતાને પોષી રહ્યા છે, ભારતના શરજીલ ઇમામ અને બાંગ્લાદેશના આતંકવાદી જશીમુદ્દીન રહમાની સિલિગુડી (ચિકનનેક)થી ભારતના ભાગલા પાડવાનું સપનું જોઈ રહ્યા છે. કાંગ્રેસે જમ્મુ- કાશ્મીરમાં અનુચ્છેદ ૩૭૦ લાવી જમ્મુ-કાશ્મીરને ફરીથી સ્વતંત્ર દેશ જેવો બનાવવાનું સપનું જોતા ફારુક અબ્દુલ્લાના પક્ષ એન.સી. સાથ ગઠબંધન કર્યું છે. કાંગ્રેસના કર્ણાટકના નેતાઓ દક્ષિણનાં રાજ્યોનો અલગ દેશ બનાવવાની વાત કરી રહ્યા છે. મણિપુરમાં ખ્રિસ્તી કૂકી ઉગ્રવાદીઓ ડ્રાન બામ્બની વર્ષા કરી રહ્યા છે. તો ડાબેરીઓ જેએનયૂમાં ‘ભારત તેરે ટુકડે હોંગે’ના સૂત્રો બોલાવી રહ્યા છે. ભારતનું મીડિયા ભલે બેધડક આવા સમાચારોને આપણા સુધી ન આવવા દે, ખેડૂત, વરસાદમાં તંત્રની પોલ અને રસ્તામાં ખાડા કરતાં આ સમાચારો ભારતના પોતાના જ અસ્તિત્વ માટે ચિંતા કરનાવનારા છે. ઘણા મૂર્ખા એવી દલીલ કરશે કે તો પકડીને જેલમાં નાખી દો ને આ લોકોને, કોણે રોક્યા છે? તો એનો ઉત્તર એ છે કે જેલમાં પૂરવાની વાત તો જવા દો, ઇડીની કાર્યવાહી થાય છે કે પોલીસ ધરપકડ કરવા પહોંચે છે ત્યારે પણ આ લોકોના બચાવમાં બૌદ્ધિક દલીલો કરવા ટીવી પર ઘણા આવી જાય છે. આ બધા છતાં તેમને ૨૩૪ બેઠકો મળી જાય છે. એટલે વાત ભારતના નાગરિકોએ સમજવાની છે.