રાત્રી તો ઘણી વીતી ચૂકી હતી. વાતાવરણ શાંત હતું. નિરવ, અડાબીડ શાંતિમાં ગંગા નદીના ખળખળ થતા પ્રવાહનો રવ સંભળાતો હતો. આશ્રમમાં જાગતા હતા તો જાણે માત્ર બે જ જણ ઃ હરિદાસ અને રૂપા ! બાકી બધા યાત્રિકો તો ગાઢ નિંદરના બંધનમાં કેદ થઇ ચૂક્યા હતા. લલ્લો ગાઢ નિંદરમાં નિરાંતે સૂતો હતો અને રૂપા છત સામે એકીટશે તાકી રહી હતી. હરિદાસ પલંગની કોરે બેઠો હતો અને રૂપાની ભીની આંખો સામે એકીટશે તાકી રહ્યો હતો. અત્યાર સુધીની વહી ગયેલી જિંદગી રૂપાની આંખો સામેથી ફિલમની પટ્ટી જેમ ખસતી જતી હતી. હરિદાસે રૂપાનો હાથ હાથમાં લીધો. રૂપાએ સ્પર્શમાં વ્હાલ અનુભવ્યુ અને ભેખડ ઉપરથી એક સામટો પાણીનો પ્રવાહ ધોધ બનીને નીચે પછડાય, એમ રૂપાના શબ્દો હોઠની ભેખડ ઉપરથી પછડાયા ઃ “એના ભાઇને મારા ઉપર ભરોસો નહોતો ભગત… મુદ્દલ નહી. એની આંખે વહેમના પાટા બંધાયા હતા એ વહેમ અને શંકાએ મારી જિંદગી ખેદાન-મેદાન કરી નાખી ભગત, હું હનુમાન નહોતી કે છાતી ચીરીને બતાવું કે તું જેવું માને છો એવી હું નથી, નથી… નથી… પણ કરમ મારા ! એ ન માન્યો તે ન જ માન્યો. પીરે ને પાળિયે, મંદિરને માળિયે, આરે ને પારે હાથ મૂકવા તૈયાર થઇ જા મારામાં પાપ હોય તો પરચો પૂરશે ઉપરવાળો, પણ એમેય એ તૈયાર નહોતો ભગત ! આ લોહી…” એણે લલ્લા તરફ આંગળી ચિંધી ઃ “એનું જ છે પણ એને વિશ્વાસ નહોતો મને અડધે દરિયે અંતરિયાળ છોડી દીધી પણ હવે શું ? આ બધી વાત… રેખા જાણતી જ હતી તો પછી કિયા સંબંધે મને ફાટેલ ડાંચે બોલવા મડી ? હતી ત્યારે તો આડી પડી નહોતી અને હવે ?
રૂપાએ આંસુ લૂછયા ઃ “માંડ માંડ જૂનાં ઘા ભૂલી હતી, ત્યાં વળી પાછા એણે આવીને ઊંભાળ્યા ? અને એનો ભાઇ તો…. કાંઇ બાકી નથી રાખ્યું મને હેરાન કરવામાં અને હવે માંડ માંડ ઠરી છું ત્યાં જગતું લઇને આવી ?”
“જાણુ છું ભગત,” હરિદાસે એના આંસુ લૂછયા ઃ “સંધુય જાણું છું. મને ફોઇએ સંધીય વાત કરી હતી. પણ સાચું કહું ? ” હરિદાસ તેની આંખમાં તાકી રહ્યો ઃ “મરનારી તમારી બેન સરગે સિધાવી ગયા પછી જીવતર તો મારૂંય ખારૂં ધૂધવા બની ગયું હતું, મને ય તે તમારી જેમ બીજુ ઘર કરવું ગમતું નહોતું પણ ફઇએ દુહાઇ આપી અને મેં હા ભણી. આ તમે આવ્યાને જાણે રણમાં કૂંપળશું કંઇક ફૂટયું. નિમિત માત્ર એમાં લલ્લો ! ધીમે ધીમે કોણે જાણે કેમ પણ મારે લલ્લા સાથે માયા બંધાતી ગઇ. તમે આવ્યા તો સ્નેહનું એક નવાણ કયાંથી કોણ જાણે ફૂટ્યું મને ખબરેય ન રહી અને હું ધીમે ધીમે ભીંજાતો ગયો, એમ નેડો બંધાતો ગયો, પણ સાચું કહું ? કયારેક કયારેક કોઇ વાર તિથિ કે પરબે મરનારી યાદ આવી જાય છે ખોટું નહી બોલું પણ ત્યારે હું મારી ઝુંપડીમાં જઇને આંસુડા પાડી લઉ છું. ઇની તમને તો થોડી ખબર હોય ? પણ હવે ખબર પડી જ છે તો ઇય કબૂલાત કરી લઉ છું કે, ભલા, એમાં તમારા સ્નેહની જરાપણ ઓછપ નથી. તમે તો આવ્યા ને મારા જીવતરમાં જાણે ખારા સમંદરમાં મીઠી વિરડી સમા આવ્યા. મને અપનાવ્યો પણ મનુષ્ય જાત છીએ ભગત ! એમ વહી ગયું છે ભલે, પણ ગળાથી કયાં છૂટે એમ છે ? બોલો તો..અને તમે તો… એકબીજાને જનમ જનમના કોલ દીધા’ તા, ઇ કોલ એણે ભલે પાળ્યા નહીં પણ ઇ વેળા અને ઇ સમા થોડું ભૂલાતું હશે. માણસ દગાબાજ છે, સ્નેહ નહીં, એ સ્નેહની ગાંઠ તો હજીય તમારા હૈયાના પાલવે…”
મેં એ ગાંઠ છોડી નાખી છે ભગત, મેં તો બધું જ હૈયાથી વેગળું કરી મેલ્યું છે.”
“એનાથી થયું હશે ?” હરિદાસે સવાલ કર્યો ઃ “બોલો”
“ હું શું જાણું ?”
“ એમાંયે એને જ્યારે સાચી વાતની ખબર પડશે ત્યારે તો એના વલોપાતનો પાર નહીં રહે.
“રાંડ્યા પછીનું ડહાપણ શું કામનું ભગત ?” બોલીને રૂપા અધૂકડી બેઠી થઇ અને હરિદાસના ખોળામાં માથુ રાખી દીધું.
——-
“તારે આવું કરવું જાઇતું નહોતું તે મોટી ભૂલ કરી.” એભલે રેખાને ઠપકો આપતા કહ્યું ઃ “ એક ભલો ભોળો, સાધુ જેવો આદમી અને તું એની સાથે વડછડ કરવા લાગી ?” એભલે ક્ષણેક રોકાઇને કહ્યું ઃ “ વળી પાછી એને ને પેલી વાતને કોઇ સંબંધ જ નથી. આ તો તે એના શાંત સંસારમાં આગ લાગડી, આગ ! તે મોટી ભૂલ કરી.”
“ મારે ઇ ભગત સાથે કોઇ જ વાંધો નથી મારે તો એમની સાથે કાંઇ બોલવાનું જ નહોતું. પણ ઇ બાઇએ મારા ભાઇની જિંદગી ખાના ખરાબ કરી નાખી એનો મને વાંધો છે. મને એની દાઝ છે. એણે મારા ભાઈને તો એક ઓડા જેમ જ રાખ્યો હતો. બાકી આદમી તો એના જીવતરમાં કેટલા હશે કોને ખબર ? ભોળો મારો ભાઇ અને એનો જ ભરોસો તોડયો જેણે એની ખાતર ઘરબાર કુટુંબ- કબીલા, આબરૂ ને સંબંધને નેવે મૂક્યા અને એણે મારા ભાઇને ભોળવ્યો ? એ લફરાબાજ હલકટ બાઇ છે, ઇ તો આ ભગતને ય પછી ખબર પડશે. આજે તેડયો’ તો, ઇ મારા ભાઇનો નહોતો કાન ખોલીને સાંભળી લો, એના ગામના કોઇ બાવાજી સાથે લફરૂં હતું આ એનું પરીણામ છે અને તમે એની ભેળ્ય તાણો છો ?” રેખા તાતી થઇ ગઈ.
“ એ તારા ભાઇના મનનો વહેમ હોઈ શકે હું સાચું નથી માનતો”
“ તો શું જીવણ ખોટું બોલતો હશે ? જીવણની વહુ લીલાએ જીવણને રજે રજની વાત કરી હતી એ આની જ ખાસ બેનપણી ! એણે જ ભાંડો ફોડયો. આવડી આ દૂધ દેવા ઇ બાવાને જાતી’ તી. લીલાને ટેકરી હેઠે ઊભી રાખે અને આ ટેકરી ઉપર ચડીને ઇ બાવા સંગાથે છાનપતિયા રમે. લીલાએ નજરોનજર જાયેલી વાત છે અને એનું પરમાણ, લગન પછી મારા ભાઇને મળી ગયેલું છે.”
“ઠીક હાલ્ય હવે હાલ્ય… પારકાં પાપ ધો મા ! આપણે જે કરવાનું છે ઇ કર. આપણે આશ્રમમાં કેટલા સાધુને જમાડવાના છે ?”
“ધર્મશાળાના મહેતાજીએ ચાલીસનો આંકડો આપ્યો હતો ચાલીસ જેટલા સાધુડા છે”
“ તો પછી ચાલીસ જેટલા સાધુને થાય એટલી પાક્કી રસોઇ બનાવવાનું કહી દઉ”
“હા” રેખા બોલી : “ આપણા માડી અમથુંય ક્યાં કંઇ હારે લઇ’ ગ્યા છે ? આ તો આવ્યા જ છીએ તો એટલું દાન પુન્ય કરતા જઇએ અને ભગવાનને એક આરદાય છે કયાંકથી મારો ભાઇ જા…” રેખાની આંખોમાં આંસુ આવ્યા, કે એભલ પાછો ફર્યો. પત્ની ભલે આખાબોલી હતી પણ લાગણીશીલ હતી. એણે રેખાની આંખોમાં આંખો પરોવીને કહ્યું: “ છાની રહી જા, મનસાદેવી જરૂર તારી મનસા પૂરી કરશે. માતાજી ઉપર શ્રધ્ધા રાખ, શ્રધ્ધા કોઇ દિ’ વાંઝણી નથી રહી કોઇની. એ જરૂર ફળશે અને તને તારો ભાઇ જરૂર મળશે.” રેખા કંઇ બોલી શકી નહી. ડૂસકું ગળામાં સલવાયેલું રહ્યું. વાતાવરણને હળવું કરવા એભલે રેખાને પૂછયું : “તો પછી ચાલીસેક જણાને થાય એટલા ગુંદી, ગાંઠિયાને મેસુબ પણ લેતો આવું. બાકી તો પાક્કી રસોઇનું આશ્રમમાં કહી જ દઉ છું.” “ હા પણ દસ જણાનું વધારે લાવજા. રખડતા ભટકતા બે પાંચ સાધુ ભળી પણ જાય.”
“સારૂ…”
ગંગા નદીથી થોડે દૂર આશ્રમ હતો. પડખે રહેલી ધર્મશાળામાં સાધુ પડ્યા પાથર્યા રહેતા હતા એ ધર્મશાળાના મહેતાજીને કહી દીધું હતું. બારેક વાગ્યે હરિહરનો સાદ પડયો. ધીમે ધીમે કરતા આશ્રમનું પંડાલ ભરાઇ ગયું. ચાલીસને બદલે ધીમે ધીમે કરતા પચાસ જેટલા સાધુ પંગતમાં બેઠા હતા. રેખાએ એભલને કહ્યું: “જુઓ, હું તમને કહેતી હતીને ? ”
“હા, વાત તારી સોળ આના સાચી.” એભલે હસીને પોરસાતા કહ્યું ઃ “ મેં રસોયાનેય પછી દસ પંદર જણાની વધારે રસોઇ માટે જ કહી દીધું હતું.”
ભોજન પીરસાઇ ગયું હતું અને આશ્રમના સંચાલકે, “ઓમ નમો પાર્વતી પતયે હર હર મહાદેવ… હર” નો નાદ કર્યો અને અલકમલકથી આવેલા સાધુ ભાવતા ભોજન જમવા મંડ્યા. બરાબર એ ટાણે જ આશ્રમના દરવાજે એક સાધુ આવીને ઊભો રહ્યો. આશ્રમના ગુરૂમાતાને ઉદેશીને કહે ઃ “ માઇ, મુઝે પરસાદ મિલેગા ?” એનો અવાજ હવાની પાલખીએ ચડીને જાણે રેખાના કાનમાં પડયો અને એણે ચમકીને દરવાજા ભણી જાયું તો જટાજુટ જટા – દાઢીની ભીતરથી એક જાણીતા ચહેરાનો આકાર પ્રગટતો હતો. એ દોડીને દરવાજે ગઇ અને પેલા સાધુ સામે ધારી ધારીને તાકી રહી, ગુરૂમાતા તેને પ્રેમથી સત્કારી રહી હતી: “હા, માત્માજી…પરસાદ જરૂર મિલેગા, કયું નહી ? આઓ.. બેઠો ઔર પરસાદ લો…” પેલો સાધુ નીચી નજરે આવ્યો અને પંગતમાં બેસી ગયો. પીરસણિયાઓએ આ નવાંગતૂક સાધુ માટે એક થાળી તૈયાર કરીને આપી. રેખા હજી એની પીઠને ધારી ધારીને તાકી રહી હતી. એ હવે જમી રહ્યો હતો પણ રેખાની નજર એક પળ પણ એને છોડતી નહોતી. અચાનક એણે રામનામ લખેલો ભગવો ખેસ જમતા જમતા ઊંચે ચડાવ્યો અને એની પીઠ ખુલ્લી થઇ તો રેખાની આંખો ચાર થઇ ગઇ. ખુલ્લી પીઠ પર એક લાખુ હતું જેવું લાખુ બિલકુલ રાઘવના બરડામાં હતું. એના ગળામાંથી શબ્દો સાચે જ ફૂટયાં “ભાઇ….???”
(ક્રમશઃ)