બોલિવૂડ ગાયિકા નેહા કક્કર તાજેતરમાં તેના ઓસ્ટ્રેલિયા પ્રવાસને કારણે સમાચારમાં છે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં નેહા કક્કડનો મ્યુઝિક કોન્સર્ટ યોજાયો હતો. અહીં નેહા ૩ કલાક મોડી સ્ટેજ પર પહોંચી. જ્યારે નેહાને આ માટે ટ્રોલ કરવામાં આવી, ત્યારે ગાયકે તેના માટે આયોજકોને દોષી ઠેરવ્યા. હવે, આ મુદ્દો સતત વેગ પકડી રહ્યો છે અને આયોજકો પણ મેદાનમાં આવી ગયા છે. એટલું જ નહીં, શોનું આયોજન કરનાર પ્રોડક્શન હાઉસે એક ચોંકાવનારી પોસ્ટ શેર કરી છે જેમાં તેણે નેહાના દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. એવો પણ આરોપ છે કે નેહા અને તેના મિત્રો હોટલના તે રૂમમાં પણ સિગારેટ પીતા હતા જ્યાં તે પ્રતિબંધિત છે. એટલું જ નહીં, પ્રોડક્શન હાઉસે નેહાના દાવાની સત્યતા દર્શાવવા માટે વીડિયો પણ શેર કર્યા છે. આ વીડિયો જાઈને, ચાહકો ફરી એકવાર નેહા પર ગુસ્સે છે અને રહસ્ય ખુલવા વિશે વાત કરી રહ્યા છે.
ખરેખર આ આખો મામલો ગયા અઠવાડિયે શરૂ થયો હતો. બોલિવૂડ ગાયિકા નેહા કક્કરને ૨૩ માર્ચે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં એક કોન્સર્ટ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. નેહા તેની ટીમ સાથે મ્યુઝિક કોન્સર્ટમાં હાજરી આપવા માટે ઓસ્ટ્રેલિયા પહોંચી હતી. પણ નેહા તેના શોમાં ૩ કલાક મોડી પહોંચી. કોન્સર્ટમાં ગયેલા લોકોએ નેહા ૩ કલાક મોડી પહોંચ્યા બાદ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન, નેહાએ પણ પોતાનો પક્ષ રાખ્યો. સૌ પ્રથમ, નેહાના ભાઈ ટોની કક્કરે આરોપ લગાવ્યો હતો કે નેહા માટે હોટલ અને પરિવહનની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. જેના કારણે તે કોન્સર્ટમાં મોડી પહોંચી. નેહાએ આયોજકો પર તેના પૈસા ન ચૂકવવાનો પણ આરોપ લગાવ્યો. નેહાના જવાબો વાયરલ થયા અને ચાહકોને લાગવા લાગ્યું કે આખી ભૂલ આયોજકોની છે. પરંતુ હવે શોના આયોજક બીટ્સ પ્રોડક્શને પણ આ મામલે પોતાનો પક્ષ રજૂ કર્યો છે.
બીટ્સ પ્રોડક્શને ગઈકાલે નેહાના દાવાઓ અંગે તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે કાલે બધા આરોપોનો જવાબ પુરાવા સાથે આપવામાં આવશે. હવે બીટ્સ પ્રોડક્શને નેહાના આરોપોનો પર્દાફાશ કર્યો છે. બીટ્સ પ્રોડક્શને નેહા અને તેના સ્ટાફના હોટલના રૂમના બિલ અને ભોજનના બિલ શેર કર્યા છે. આ સાથે, નેહાના આરોપોનો પણ યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે જેમાં ગાયકે કહ્યું હતું કે તેને સ્થળ સુધી પહોંચવા માટે પરિવહન આપવામાં આવ્યું ન હતું. વીડિયોમાં જાવા મળે છે કે નેહા બહાર આવતાની સાથે જ તે ચાહકોને મળે છે અને ફોટા પાડ્યા પછી બહાર પાર્ક કરેલી કારમાં બેસે છે. આ કાફલામાં બીજા ઘણા વાહનો પણ જાવા મળે છે. આ પુરાવાઓ સાથે, બીટ્સ પ્રોડક્શને નેહાના તમામ આરોપોનો યોગ્ય જવાબ આપ્યો છે. આ પુરાવાઓ જાઈને, નેહા કક્કર ફરી એકવાર ચાહકોના નિશાના પર આવી ગઈ છે.