દિલ્હીમાં અંતે કેજરીવાલ હારી ગયા. દિલ્હીના હાઈ વોલ્ટેજ ઈલેક્શન જંગમાં આમ આદમી પાર્ટીને પછાડીને ભાજપ ૨૭ વર્ષ પછી ફરી સત્તા કબજે કરવામાં સફળ થયો છે. છેલ્લી બે ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલે ભાજપને કારમી હાર આપેલી અને પછી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ સત્તા કબજે કરી એ જોતાં ભાજપ માટે કેજરીવાલની પાર્ટીને હરાવવાનું કપરું લાગતું હતું પણ ભાજપે કેજરીવાલ સરકારના ભ્રષ્ટાચાર અને દિલ્હીના લોકોને વચનોની લહાણી કરીને જીત મેળવી ને કેજરીવાલના શાસનમાંથી દિલ્હીની જનતાને મુક્તિ અપાવી છે.
દિલ્હી ૧૯૯૩માં રાજ્ય બન્યું પછી યોજાયેલી પહેલી ચૂંટણીમાં ભાજપે ૭૦માંથી ૪૯ બેઠકો જીતીને સરકાર બનાવેલી પણ પછી ભાજપનું પતન થઈ ગયું. મદનલાલ ખુરાના ભાજપના પહેલા મુખ્યમંત્રી બનેલા પણ ભાજપના ધારાસભ્યોએ તેમની સામે બળવો કરી નાંખેલો. આ ઓછું હોય તેમ હવાલા કૌભાંડમાં તેમનું નામ બહાર આવતાં ભાજપે ખુરાનાને બદલીને સાહિબસિંહ વર્માને મુખ્યમંત્રી બનાવેલા.
વર્મા વર્સીસ ખુરાના જૂથ વચ્ચે તકરાર ચાલુ હતી ત્યાં ૧૯૯૮માં અચાનક ડુંગળીના ભાવ વધવા માંડ્‌યા અને કિલોના ૬૦ રૂપિયા થઈ ગયા. વર્મા ડુંગળીના વધતા ભાવને રોકી ના શક્યા તેમાં તેમની સામે અસંતોષ ઉભો થતાં ચૂંટણીના દોઢ મહિના પહેલાં ભાજપે સુષ્મા સ્વરાજને ગાદી સોંપેલી. સુષ્મા લોકપ્રિય હતા પણ તેમના માટે રાત થોડી ને વેશ ઝાઝા હતા તેથી ભાજપને ના જીતાડી શક્યા. શીલા દિક્ષીતના નેતૃત્વમાં કોંગ્રેસ જીતી ગઈ ને શીલા દિક્ષીત પણ પૂરા ૧૫ વર્ષ ટક્યા. શીલા દિક્ષીત પણ કોમનવેલ્થ ગેમ્સ વિલેજ બનાવવાના ભ્રષ્ટાચારમાં હાર્યા ને અરવિંદ કેજરીવાલ આવ્યા.
૧૯૯૮થી સળંગ ૧૫ વર્ષ માટે કોંગ્રેસના શીલા દિક્ષીત મુખ્યમંત્રીપદે રહ્યા પછી આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલનો યુગ શરૂ થયેલો. કેજરીવાલે નવીસવી બનાવેલી આમ આદમી પાર્ટી ૨૦૧૩ની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી નહોતી મેળવી શકી તેથી કોંગ્રેસના ટેકાથી બનાવેલી સરકાર બનાવવી પડેલી. આ સરકાર માત્ર ત્રણ મહિનામાં ઘરભેગી થયેલી પણ ૨૦૧૫માં કેજરીવાલે ૭૦માંથી ૬૭ બેઠકો જીતીને ભવ્ય પુનરાગમન કર્યું. ૨૦૨૦માં ફરી ૭૦માંથી ૬૨ બેઠકો જીતીને બે તૃતિયાંશ બહુમતી સાથે કેજરીવાલ ત્રીજી વાર મુખ્યમંત્રી બન્યા. કેજરીવાલે છેલ્લે છેલ્લે રાજીનામું આપીને આતિશીને ગાદી પર બેસાડેલા પણ છેલ્લા સળંગ ૧૦ વર્ષથી આમ આદમી પાર્ટીનું શાસન હતું તેથી ભાજપ દિલ્હીમાં ૨૭ વર્ષથી સત્તાથી વંચિત હતો. ભાજપનો વનવાસ પૂરો થયો છે.

દિલ્હીની ચૂંટણી ટ્રેન્ડ સેટર છે.
ભારતના રાજકારણમાં લાંબા સમયથી સરકારી તિજોરીમાંથી લોકોને સીધા રૂપિયા આપીને ચૂંટણી જીતવાનો ટ્રેન્ડ આવી જ ગયેલો છે પણ દિલ્હીની ચૂંટણીમાં આ ટ્રેન્ડ પરાકાષ્ઠા પર હતો. દિલ્હીમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ એમ ત્રણ પક્ષો વચ્ચે જંગ હતો. ફ્રીબીઝ એટલે કે મફતિયા ચીજોની લહાણી કરવાની ત્રણેય પક્ષો વચ્ચે હોડ જામી હતી.
ભાજપ, કોંગ્રેસ ને આપના ચૂંટણી વચનો પર નજર નાંખશો તો આખી વાત સમજાશે. કોંગ્રેસે યુવાનો અને મહિલાઓને ટાર્ગેટ કરી હતી. યુવાનોને ખુશ કરવા ‘યુવા ઉડાન યોજના’ હેઠળ બેરોજગાર યુવાનોને એક વર્ષ સુધી મહિને ૮,૫૦૦ રૂપિયા આપવાનું કોંગ્રેસે વચન આપેલું. આ ઉપરાંત યુવાનોને સ્થાનિક ઉદ્યોગોમાં એપ્રેન્ટિસશિપનું પણ વચન આપેલું. મહિલાઓને આકર્ષવા ‘પ્યારી દીદી યોજના’ અમલમાં મૂકવાનું વચન અપાયેલું. આ યોજના હેઠળ ઓછી આવક ધરાવતા પરિવારોની મહિલાઓને મહિને ૨,૫૦૦ રૂપિયા આપવાનું વચન અપાયેલું. આ સિવાય દરેક પરિવારને ૩૦૦ યુનિટ સુધી મફત વીજળી, તમામ રહેવાસીઓને ૨૫ લાખનું આરોગ્ય વીમા કવચ અને દરેક ઘરમાં ૫૦૦ રૂપિયાની સબસિડીવાળા ગેસ સિલિન્ડર આપવાનું વચન પણ કોંગ્રેસે આપ્યું હતું.
અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી દિલ્હીમાં મફત વીજળી, પાણી અને મોહલ્લા ક્લિનિક્સ દ્વારા આરોગ્ય સેવા તો આપે જ છે. આ સિવાય ‘કેજરીવાલ કી ગેરંટી’ને નામે ‘મહિલા સન્માન યોજના’ હેઠળ મહિલાઓને માસિક ૨,૧૦૦ રૂપિયા આપવાનું વચન અપાયેલું. ‘ સંજીવની યોજના’ હેઠળ ૬૦ વર્ષથી વધુના લોકોને મફત સારવાર, દિલ્હીના જળ સંકટનો નિવેડો અને બાકી બિલ ભરવામાંથી મુક્તિ જેવા વધારાના વચનો આપ્યા હતા. ભાજપ આ બધાથી ચડિયાતો સાબિત થયો.

ભાજપે ખેરાતોના વચનોમાં કોઈ કસર નહોતી છોડી. મહારાષ્ટ્રમાં મહિલાઓને દર મહિને ચોક્કસ રકમ આપવાનું વચન ફળ્યું પછી હવે ભાજપનું ચૂંટણી જીતવાનું મુખ્ય હથિયાર જ મહિલાઓના ખાતામાં રકમ ટ્રાન્સફરનું છે. દિલ્હીમાં ભાજપે એ જ દાવ ખેલીને મહિલા સન્માન યોજના હેઠળ દરેક મહિલાને દર મહિને ૨૫૦૦ રૂપિયા આપવાનું વચન આપી દીધેલું. આ સિવાય બીજા પણ વચનો અપાયેલા ને તેના માટે ભાજપે ત્રણ તો સંકલ્પપત્ર બહાર પાડેલા.
ભાજપા પ્રમુખ જે.પી. નડ્ડાએ પહેલા સંકલ્પ પત્રને ‘વિકસિત દિલ્હીનો પાયો’ ગણાવીને મહિલાઓને દર મહિને ૨૫૦૦ રૂપિયા, ગરીબ પરિવારોને સિલિન્ડર પર ૫૦૦ રૂપિયા સબસિડી, હોળી-દિવાળી પર એક-એક સિલિન્ડર મફત, માતૃ સુરક્ષા વંદના યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને ૨૧,૦૦૦ રૂપિયા અને ૬ પોષણ કિટ આપવાનું એલાન કરેલું. આ ઉપરાંત ૬૦-૭૦ વર્ષના લોકોનું પેન્શન ૨૦૦૦ રૂપિયાથી વધારીને ૨૫૦૦ રૂપિયા કરવાનું તેમજ વિધવાઓ, વિકલાંગો અને ૭૦ વર્ષથી ઉપરના વૃદ્ધોને ૩૦૦૦ રૂપિયાનું પેન્શન આપવાનું વચન પણ અપાયેલું. અટલ કેન્ટીન યોજના હેઠળ ગરીબ એટલે કે ઝૂંપડપટ્ટીમાં રહેતાં લોકોને ૫ રૂપિયામાં પૌષ્ટિક ભોજન આપવામાં આવશે એવું વચન પણ અપાયું હતું.
ભાજપે એ વાત પર ખાસ ભાર મૂકેલો કે, મફત વીજળી, બસ અને પાણીની આમ આદમી પાર્ટી સરકારની યોજનાઓ તો ચાલુ જ રહેશે.
ભાજપે બીજા સંકલ્પ પત્રમાં ગરીબ વિદ્યાર્થીઓને કેજી થી પીજી સુધી મફત શિક્ષણ, યુપીએસસીની પરીક્ષા આપનાર ઉમેદવારોને ૧૫ હજાર રૂપિયાની સહાય, પોલિટેકનિક અને સ્કિલ કેન્દ્રોના દલિત એસસી વિદ્યાર્થીઓને બાબાસાહેબ આંબેડકર સ્કોલરશિપ હેઠળ ૧,૦૦૦ રૂપિયાનું માસિક સ્ટાઇપેન્ડ આપવાનું વચન આપેલું.
આ ઉપરાંત ઘરોમાં કામ કરતી ઘરઘાટી મહિલાઓના ભલા માટે બોર્ડની રચના તથા તેમને ચાલુ પગારે છ મહિનાની મેટરનિટી લીવ આપવાનું વચન અપાયેલું. ઘરઘાટીઓ અને ઓટો-ટેક્સી ડ્રાઇવરોને રૂપિયા ૧૦ લાખનો વીમો અને રૂપિયા ૫ લાખનું અકસ્માત કવર સહિતના વચનો પણ અપાયેલા.
અમિત શાહે બહાર પાડેલા ત્રીજા સંકલ્પ પત્રમાં રીયલ એસ્ટેટ કામદારોને વચનોની લહાણી કરાઈ હતી. સ્વતંત્ર કોન્ટ્રાક્ટરો, કામદારોને ૨૫ લાખનો જીવન વિમો અને ૫ લાખનો અકસ્માત વિમો, બાંધકામ કામદારોને ૧૦,૦૦૦ રૂપિયા સુધીની ટૂલકિટ, ૩ લાખ રૂપિયા સુધીની લોનનાં વચન અપાયેલા. યુવાનો માટે ૫૦,૦૦૦ સરકારી નોકરીઓ, ૨૦ લાખ રોજગાર અને સ્વરોજગારની તકો, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મેટ્રોમાં મફત મુસાફરી સહિતના સામાન્ય વચનો પણ અપાયેલા. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના વચનોમાંથી લોકોને ભાજપના વચનો પર વધારે વિશ્વાસ બેઠો તેથી ભાજપ જીતી ગયો.

દિલ્હીની ચૂંટણીથી ભારતમાં ફ્રીબીઝ યુગ કાયમી થઈ ગયો છે. રાજકારણીઓ દ્વારા મફતમાં વસ્તુઓ કે સેવાની લહાણી, રોકડ રકમ ટ્રાન્સફર કરવાની જાહેરાતો લાંબા સમયથી થાય છે પણ દિલ્હીમાં તો આખી ચૂંટણી જ ફ્રીબીઝના મુદ્દા પર લડાઈ હતી.
રાજકીય વિશ્લેષકો આ ટ્રેન્ડને ખરાબ ગણે છે પણ વાસ્તવમાં આ ખરાબ બાબત નથી. તેમનું કહેવું છે કે, આડકતરી રીતે રાજકીય પક્ષો મતદારોને નાણાંની લાલચ આપીને મતો ખરીદે છે તેથી લોકશાહી માટે આ સારી વાત નથી. આ દલીલ સાચી છે પણ આવું વરસોથી ચાલે છે. વરસોથી આ રીતે મતો ખરીદાય છે, ફરક એટલો છે કે, પહેલાં બધું ખાનગીમાં થતું ને હવે જાહેરમાં થાય છે, રાજકીય પક્ષો સરકારી તિજોરીના નાણાંથી મતો ખરીદે છે.
પહેલા ચૂંટણીના બે-ચાર દિવસ પહેલા ગરીબોને રોકડ રકમ વહેંચાતી, મહિલાઓને સાડીઓ અપાતી, ચવાણાના પેકેટ કે કરિયાણાની કિટો અપાતી, પુરૂષોને દારૂ પીવડાવાતો. એ બધું મત મેળવવા કરાતું હતું તેથી મતો ખરીદવાનું ચલણ નવું નથી.
ફ્રીબીઝ અથવા રેવડીના નવા ચલણના કારણે એ બધાના બદલે મહિલાઓ અને યુવાનોને સીધી સહાય અપાય છે. મહિલાઓ તેમને મળતા નાણાં ઘરખર્ચમાં જ વાપરતી હોય છે તેથી સરકારી તિજોરીના નાણાંનો સારો ઉપયોગ થઈ રહ્યો છે. આ ટ્રેન્ડના કારણે પરિવારો ગૌરવભેર જીવતા થયા છે એ મોટો ફાયદો છે. રાજકારણીઓ કે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરીને નાણાં ખાઈ જાય, ધનિકોને ફાયદો અપાવે તેના કરતાં ગરીબો સુધી એ નાણાં જાય એ સારું જ છે.
વિકાસના કામો માટે નાણાં ઓછાં થાય છે એવી દલીલ થાય છે પણ તેનો ઉપાય કરચોરી રોકીને સરકારની આવક વધારવાનો છે તેથી આ ટ્રેન્ડને બહુ વખોડવા જેવો નથી. sanjogpurti@gmail.com