સુપ્રીમ કોર્ટે બુધવારે લખીમપુર ખેરી હિંસાના મુખ્ય આરોપી આશિષ મિશ્રાને નોટિસ જારી કરીને તેનો જવાબ માંગ્યો છે. ખરેખર, આશિષ મિશ્રા પર સાક્ષીઓને ધમકાવવાનો આરોપ છે. બુધવારે સુનાવણી દરમિયાન જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે આશિષ મિશ્રાના વકીલ સિદ્ધાર્થ દવેને સોગંદનામું દાખલ કરવા કહ્યું હતું, જેમાં આશિષ મિશ્રા સામેના આરોપો અંગે સ્પષ્ટતા માંગવામાં આવી હતી.
નોંધનીય છે કે વર્ષ ૨૦૨૧માં ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં હિંસા દરમિયાન આઠ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા મુખ્ય આરોપી છે. હાલ આશિષ મિશ્રા જામીન પર બહાર છે. હવે એક ફરિયાદીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે આશિષ મિશ્રા દ્વારા સાક્ષીઓને ડરાવવામાં આવી રહ્યા છે. જાકે, આશિષ મિશ્રાના વકીલે આરોપોને નકારી કાઢ્યા હતા. જો કે, સુપ્રીમ કોર્ટે આશિષ મિશ્રાને ચાર અઠવાડિયામાં સોગંદનામું રજૂ કરવા અને આરોપો પર તેમનો જવાબ માંગવા કહ્યું છે.
સુપ્રીમ કોર્ટે ૨૨ જુલાઈના રોજ આશિષ મિશ્રાને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ તેમને દિલ્હી અને લખનૌમાં ન રહેવાનો નિર્દેશ આપ્યો હતો, જેથી તેઓ સાક્ષીઓને પ્રભાવિત ન કરી શકે. જાકે, ૨૬ સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે આશિષ મિશ્રાને નેશનલ કેપિટલ રિજનમાં રહેવાની પરવાનગી આપી હતી. સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટને લખીમપુર ખેરી હિંસા કેસની જલ્દી સુનાવણી કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
નોંધનીય છે કે ૩ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યની લખીમપુર મુલાકાતનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો. આ દરમિયાન કારે કચડતા ચાર ખેડૂતોના મોત થયા હતા. આ હિંસામાં એક પત્રકારનું પણ મોત થયું હતું. આ કેસમાં આશિષ મિશ્રા મુખ્ય આરોપી છે. ઘટના બાદ રોષે ભરાયેલા ખેડૂતોએ કારના ડ્રાઈવર અને ભાજપના બે કાર્યકરોને પણ માર માર્યો હતો.