લાઠીના શાખપુર ગામે એક ચોંકાવનારી ઘટના બની હતી. માતાની બીમારીની પીડા ન જોઈ શકતાં યુવકે ગળાફાંસો ખાધો હતો. દિવાળીના પર્વ પહેલા જ યુવકના આવા પગલાથી પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. બનાવ અંગે જીવરાજભાઈ ગોબરભાઈ શિયાળ (ઉ.વ.૨૩)એ જાહેર કર્યા મુજબ, તેમના માતાને છેલ્લા એકાદ વર્ષથી કમરનો દુઃખાવો તથા ડાયાબીટીસની બીમારી હતી. બીમારીની સારવાર અને દવાઓ ચાલુ હોય તેમ છતાં સારૂ થતું નહોતું અને પીડાતા હતા. જેથી તેમના ભાઈ ભરતભાઈ ગોબરભાઈ શિયાળ (ઉ.વ.૨૫) સતત દુઃખી રહેતા હતા અને તે પોતાની માતાની પીડા, દુઃખ જોઇ શકતા નહોતા. બીમારીની પીડા અને દુઃખથી મનમાં લાગી આવતા પોતાની મેળે ઘરની ઓસરીના ભાગે ઠેલના લાકડા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં મરણ પામ્યા હતા.