પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આજરોજ અમરેલી જિલ્લાની મુલાકાતે પધારનાર છે. તેમની મુલાકાત દરમિયાન તેઓ લાઠીના સોલાર ગામ એવા દુધાળાની મુલાકાત કરશે. પ્રધાનમંત્રી દ્વારા વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થનાર છે. ગુજરાત રાજયને જળસંચય, રેલવે, માર્ગ સહિતની માળખાકીય સુવિધાઓની ભેટ મળશે. રાજય સભાના સાંસદ ગોવિંદભાઇ ધોળકીયાએ વ્યક્તિગત રીતે તેમના વતન દુધાળા ગામ ખાતે ઓગસ્ટ-૨૦૨૨થી સોલાર રુફટોપ સુવિધાનું નિર્માણ કર્યુ છે. દુધાળા ગામમાં ઓગસ્ટ-૨૦૨૨થી સોલાર રુફટોપ સુવિધા છે, જે ૨૬૨ કિલોવોટની ક્ષમતા ધરાવે છે. ઓગસ્ટ-૨૦૨૨થી માર્ચ-૨૦૨૪ના સમયગાળામાં ૪,૫૯,૩૦૬ યુનિટ જનરેટ થયા છે. સોલાર રુફટોપ સુવિધા થતાં દુધાળાના વીજધારકો દ્વારા પીજીવીસીએલને વીજ વેચાણ કરતાં વીજધારકોના ખાતામાં રકમ રુ. ૩,૫૬,૧૨૪.૮૦ બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં મહત્તમ સોલાર રુફ ટોપ ધરાવતા ગામ તરીકે દુધાળા ગામ પર્યાવરણમાં મહત્વનો ફાળો આપી રહ્યું છે.