હાલ અમરેલી જિલ્લામાં સૂર્યનારાયણ અગનગોળા વરસાવી રહ્યાં છે. આવી કાળઝાળ ગરમીમાં જરૂરીયાતમંદ કુંટુંબોને વિનામૂલ્યે છાશ મળી રહે તે માટે છાશ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. લાઠી શહેરમાં આવેલા લાલજીદાદાના વડલા ખાતે માનવસેવાનો અનોખો યજ્ઞ શરૂ થયો છે. માતૃશ્રી સંતોકબા મેડિકલ સેન્ટર દ્વારા આયોજિત આ સેવાયજ્ઞમાં ૫૦૦ કુટુંબના ૨૦૦૦થી વધુ લોકોને લાભ મળશે. લાલજીદાદાના વડલાની શીતળ છાયામાં શરૂ થયેલા આ કેન્દ્રના ઉદ્‌ઘાટન પ્રસંગે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા અને લાઠી નગરપાલિકાના પ્રમુખ દયાબેન જમોડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.રામકૃષ્ણ એક્સપોર્ટના મોભી અને રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાની પ્રેરણાથી શરૂ થયેલા આ કેન્દ્રમાં છાસ ઉપરાંત લાભાર્થી બહેનોને સાડી અને ડ્રેસની ભેટ પણ આપવામાં આવી હતી. જેથી લાભાર્થી બહેનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી.