કથાકાર જિગ્નેશદાદાના શ્રી રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમરેલી-લાઠી રોડ પર કેરાળાના પાટિયે રપ વીઘા જમીનમાં ‘તથાસ્તુ’ નામથી શૈક્ષણિક સંકુલના નિર્માણનું આયોજન કરાયું છે. જેમાં ધો. ૧૧ અને ૧ર સાયન્સના પ૦૦થી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવશે. તેમજ આગામી દિવસોમાં સાયન્સની અન્ય ફેકલ્ટીઓ પણ ચાલુ કરવાનું આયોજન છે. નવનિર્માણ પામનાર તથાસ્તુ શૈક્ષણિક સંકુલ માટે બે પરિવારો દ્વારા ભૂમિદાન કરવામાં આવ્યું છે. આગામી ૧લી મે-ર૦રરથી શૈક્ષણિક સંકુલના નિર્માણકાર્યનો પ્રારંભ કરવામાં આવશે. ૧-મેથી ૭મી મે સુધી કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં ભૂમિપૂજન કરવામાં આવશે તેમજ ૭ દિવસની ભાગવત કથા યોજવામાં આવશે.અમરેલીનું કેરિયાચાડ ગામ એ કથાકાર જિગ્નેશદાદાની જન્મભૂમિ છે ત્યારે તેઓએ આ વિસ્તારમાં શૈક્ષણિક સંકુલ સ્થાપવાનો નિર્ણય લઇ જન્મભૂમિને કર્મભૂમિ બનાવી વતન પ્રત્યેનું ઋણ અદા કર્યું છે.