ભારતને કેટલાક બુદ્ધુજીવી કલમઘસુઓ અને ન્યૂઝ ટ્રેડર સદા નીચો દેખાડવાનો જ પ્રયાસ કરતા રહેતા હોય છે. તેમના માટે જો અમેરિકાની કોઈ શેરીની ફાલતુ એજન્સી સોમાલિયાને હંગર ઇન્ડેક્સમાં ભારત કરતાં વધુ સારું બતાવે તો તેના આધારે દસ કિલોમીટર લાંબો લેખ ઘસડી નાખશે. અમેરિકામાં જઈને લાગણીશીલ અને સંસ્કૃતિભૂખ્યા ગુજરાતી ધનસંપન્ન પાસેથી ડાલર ઉસેડી શકાય તે માટે અમેરિકાના વિઝા મળવા આવશ્યક છે અને એટલે તેઓ ક્યારેય અમેરિકા વિરુદ્ધ નહીં લખે. ફાર ધેટ મેટર, અમેરિકા જ નહીં, બ્રિટન અને યુરોપના અન્ય દેશો વિરુદ્ધ નહીં લખે.
અમેરિકા અને યુરોપે આ જ બદમાશી કરીને આવા કેટલાક વેચાઉ માલને ખરીદીને પોતાનું માર્કેટિંગ કર્યું છે અને આજે પણ એ ચાલુ છે, તેનું તાજું ઉદાહરણ છે, લાસ એન્જલ્સની આગ.
લાસ એન્જલ્સની આગ આ લખાય છે ત્યારે પણ સાત દિવસ પછી બૂઝાઈ નથી શકી. ૨૭,૦૦૦ ઍકર કરતાં વધુ જમીન આ આગમાં હોમાઈ ગઈ છે. ૧૦,૦૦૦ કરતાં વધુ ઘરો નાશ પામ્યાં છે. ૨૪ જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. દોઢ લાખ લોકોને આ સ્વર્ગ સમું શહેર છોડીને જતું રહેવું પડ્યું છે, અને તેમાંય જતા રહેવામાં પણ અવ્યવસ્થા ! આમ છતાં, ભારતના મીડિયામાં આની પાછળ અમેરિકા- સવિશેષ તો લેફ્ટ-લિબરલ ડેમોક્રેટની પોલ ખુલ્લી પડી ગઈ તેની કોઈ જ ચર્ચા નથી !
રાજકોટ કે સુરતમાં આગ લાગે તો દેકારો મચાવી દેતા આ ન્યૂઝ ટ્રેડર માટે અમેરિકાની આગ કોઈ વિષય જ નથી. આ ન્યૂઝ ટ્રેડર માટે ભારત સૌથી કનિષ્ઠ દેશ છે અને વિશ્વના ભારત સિવાયના બધા જ દેશ તેના કરતાં સારા છે. એવું નથી કે આ ન્યૂઝ ટ્રેડર ભાજપ વિરોધી હોવાથી ભાજપ સરકાર આવી છે ત્યારથી આવું કરી રહ્યા છે. તેઓ તો આવું પહેલાં પણ કરતા હતા. અંતર એટલું હતું કે ત્યારે માહિતી પર તેમનો એકાધિકાર હતો. વિદેશનાં સમાચારપત્રો જે મોટા ભાગે લેફ્ટ-લિબરલોના આધિપત્યવાળાં જ હતાં, તે મગાવાતાં અને તેના અનુવાદો ઢસડી નાખવામાં આવતા. તે વખતે વેબસાઇટ તો હતી નહીં. વેબસાઇટ આવી છે ત્યારે પણ સીએનએન, ન્યૂ યાર્ક ટાઇમ્સ વગેરે તો લેફ્ટ-લિબરલોના પ્રભુત્વવાળી જ છે. એટલે તેમાં યુક્રેઇનની તરફેણમાં અને રશિયાની વિરુદ્ધમાં સમાચારો આવે એટલે ભારતનું અંગ્રેજી મીડિયા તે બેઠેબેઠું છાપે અથવા બતાવે. તેનો અનુવાદ હિન્દી અને ગુજરાતી સહિતની ભારતીય ભાષાઓમાં થાય.
આજે સાશિયલ મીડિયાનો જમાનો છે. ટિકટાકથી માંડીને ટિ્વટર સહિતનાં કેટલાંક મીડિયા જે હજુ લેફ્ટ-લિબરલોના પ્રભાવમાં નથી તેના પર અમેરિકાના જ લોકો લાસ એન્જલ્સમાં લેફ્ટ-લિબરલ ડેમોક્રેટની પોલ ખોલી રહ્યા છે તે જોવી જોઈએ. ખરેખર તો હવે આ લેફ્ટ-લિબરલ ડેમોક્રેટને ચૂંટનાર સેલિબ્રિટીઓ પણ રોષ ઠાલવી રહ્યા છે કારણકે આ આગમાં હાલિવૂડની સેલિબ્રિટીઓને મોટી અસર થઈ છે. મેલ ગિબ્સન, પેરિસ હિલ્ટન, જેફ બ્રિજિસ, ઝેને ઐકો, એડમ બ્રાડી, લૈઇટન મીસ્ટર, બિલી ક્રિસ્ટલ, કેરી એલ્વીસ, એન્ના ફેરીસ, જાન ગુડમેન વગેરે અનેક કલાકારો અથવા જાણીતી હસ્તીઓએ પોતાનાં ઘરો આ આગમાં ગુમાવ્યાં છે.
એક શંકાની થિયરી એવી છે કે આ આગ કોઈ આબોહવા પરિવર્તનના કારણે નથી લાગી (ભારતના કલમઘસુઓ આપણને આવું જ મનાવવા માગે છે) પરંતુ તેને લગાડવામાં આવી છે. ‘લીથલ વેપન’ ખ્યાત અભિનેતા મેલ ગિબ્સને આ શંકા વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે “પરિસ્થિતિ આગ માટે બધી રીતે અનુકૂળ હતી. પવન સાનુકૂળ હતો (આગને વધારે તેવો), જળાશયો ખાલી હતાં. લોકો આગ લગાડવા તૈયાર હતા. શું તેમને આ કામ સોંપવામાં આવ્યું હતું?”
આગ લાગી નહોતી, પણ લગાડવામાં આવી હતી તે ષડયંત્રની થિયરી માનવાને એક મજબૂત કારણ એ મળ્યું કે કેલિફાર્નિયાની સૌથી મોટી વીમા કંપનીઓ પૈકીની એક ‘સ્ટેટ ફાર્મ’એ લાસ એન્જલ્સના પડોશી શહેર પેસિફિક પેલિસાડેસ, જે પણ અત્યારે આગમાં ભસ્મીભૂત થઈ રહ્યું છે તેમાં સેંકડો ઘરમાલિકોની પાલિસીને રદ્દ કરી નાખી હતી. કંપનીએ તેના માટે કેલિફાર્નિયામાં લાગતી આગનું કારણ આપ્યું હતું.
આ આગ લાગી તો લાગી, પણ તેને કાબૂમાં લેવામાં સાત દિવસ પછી પણ આખા વિશ્વમાં જે પ્રથમ ક્રમનો દેશ મનાય છે તેવું અમેરિકા નિષ્ફળ રહ્યું. ફાયર હાઇડ્રન્ટમાં પાણી જ નહોતું અને પાણી કેમ નહોતું? અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ જે ૨૦મીએ શપથ લેશે તે ડાનાલ્ડ ટ્રમ્પનો આક્ષેપ છે કે કેલિફાર્નિયાની ડેમોક્રેટ સરકાર અને લાસ એન્જલ્સના ડેમોક્રેટ મેયરે પર્યાવરણને બહુ ઉપયોગી નહીં તેવી નાની ડેલ્ટા સ્મેલ્ટ માછલીને બચાવવાને વધુ પ્રાથમિકતા આપી. કેલિફાર્નિયાના ડેમોક્રેટ રાજ્યપાલ ગેવિન ન્યૂઝામે ‘પાણી પુનઃસ્થાપન ઘોષણા’ પર સહી ન કરી.
કેલિફાર્નિયામાં ૧૯૯૨થી ડેમોક્રેટનું જ શાસન ચાલતું આવ્યું છે. ત્યાં ઓગણીસમી સદીમાં સોનુ મળી આવ્યું હતું. તેના કારણે મેક્સિકો અને એશિયાથી આવીને લોકો વસ્યા છે. (આમ તો અમેરિકામાં મૂળ અમેરિકનો જેને યુરોપની પ્રજાએ રેડ ઇન્ડિયન કહ્યા તે છે, બાકી બધા બહારથી વસ્યા છે, પરંતુ અમેરિકાના ગોરા લોકો પોતાના આધિપત્યમાં અમેરિકા આવ્યું તે પછી જે લોકો આવ્યા તેને બહારના ગણે છે) આ ઉપરાંત અમેરિકા અન્ય રીતે પણ સોનાની ખાણ જેવો દેશ છે. એટલે કે ત્યાં ડાલરમાં કમાણી કરીને પોતાના દેશમાં પોતાના ચલણમાં રૂપાંતરિત કરીને ધનવાન બનવાની તેમજ અમેરિકાનું કોઈ પણ પ્રકારના રીત-પરંપરા વગરનું મુક્ત જીવન જીવવાની ઇચ્છા ઘણાને હોય છે. અમેરિકાનો એવો પ્રચાર પણ કરાયો છે. અને એ પ્રચાર કરનારું અમેરિકાનું મીડિયા અને હાલિવૂડની ફિલ્મો છે. ત્યાં દારૂ પીઓ, ડ્રગ્સ લો, કોઈ ધર્મ-ધ્યાન ન કરો, મન ફાવે તેવાં ટૂંકાં કપડાં પહેરો, મન ફાવે તેની સાથે સૂઈ જાવ, છૂટાછેડા લઈ લો, જલસા કરો બાપુ જલસા કરો, દુનિયા જાય તેલ લેવા જલસા કરો. આ મંત્ર અમેરિકાએ અપનાવ્યો. બીજું એ કે અમેરિકામાં યુરોપની પ્રજાએ મૂળ અમેરિકી આદિવાસી પ્રજા રેડ ઇન્ડિયન પર તો વિજય મેળવી લીધો અને પછી બ્રિટનથી પણ સ્વતંત્રતા મેળવી લીધી, પરંતુ પ્રતિભા તો હતી નહીં. એટલે ભારત, ચીન, જાપાન વગેરે એશિયાઈ દેશોથી પ્રતિભાઓને સારા પગાર આપીને બોલાવવા લાગ્યા. આજે અમેરિકામાં જે ટોચના સીઇઓ છે તેમાં મોટા ભાગના ભારતીયો કે ચીનાઓ છે.
એટલે કેલિફાર્નિયામાં પણ આવું જ છે. પરંતુ પ્રતિભાવાનની સાથે જે લોકો ઓછી કે નહીંવત્ પ્રતિભા ધરાવે છે તે પણ અમેરિકામાં વિઝા ન મળે તો ઘૂસણખોરી કરીને જવા લાગ્યા. આનું કારણ એ છે કે એક વાર ત્યાં ઘૂસી જાવ એટલે સરકારના લાભો મળે તે ખૂબ જ વધુ છે. અમેરિકા, યુરોપ (અને ભારતમાં કાંગ્રેસ-તૃણમૂલ-એનસીપી વગેરે)માં લૅફ્ટ-લિબરલ ડેમોક્રેટોએ મત સરળતાથી જથ્થાબંધ મળે તે માટે આવા ઘૂસણખોરો તરફી નીતિઓ બનાવી છે. કેલિફાર્નિયામાં તો મફત આરોગ્ય વીમો આપવામાં આવે છે અને તેમાંય કોઈ વયમર્યાદા નહીં. કુલ ૨૪ લાખ ઘૂસણખોરોને ત્યાં મહેનત કરીને કમાઈને વેરો ચૂકવતી જનતાના વેરાના પૈસામાંથી ૫-૭ અબજ ડાલરના ખર્ચે તેમનું આરોગ્ય સારું રાખવા વીમો મળે છે. તેમનું તો આરોગ્ય સુધરે પણ રાજ્યની તિજોરીનું આરોગ્ય તો બગડે ને.
આ જ રીતે આ ઘૂસણખોરોને (એમને માટે પાછા એ લોકોએ સારો શબ્દ શોધી કાઢ્યો છે- અનડાક્યૂમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ એટલે કે જેમની પાસે સત્તાવાર કાગળિયા નથી તેવા સ્થળાંતરિતો- પણ સાચી રીતે તો તેઓ ઘૂસણખોરો જ છે) હત્યા કે બીજા કોઈ ગંભીર અપરાધમાં તેમની સામે આરોપ લાગે તો જનતાના વેરાના પૈસે કાયદાકીય સરકારી સહાય પણ આ લેફ્ટ-લિબરલ ડેમોક્રેટ સરકાર આપે છે, બોલો ! એટલે કે તેઓ અપરાધ કરે તો સરકારના પૈસે જ સરકાર સામે કેસ લડી શકે. આવું ક્યાંય હોય?
આ જ ડેમોક્રેટોએ કેલિફાર્નિયા રાજ્યમાં એવો કાયદો પણ બનાવ્યો હતો કે ૯૫૦ ડાલરથી નીચેની રકમની કોઈ પણ વસ્તુને કોઈ પણ વ્યક્તિ દુકાનમાંથી બિન્દાસ્ત ઉઠાવીને શાંતિથી લઈ જઈ શકે, જાણે કે તેના બાપદાદા તેમના માટે મૂકીને ગયા હોય. અને તેમાં દુકાનદાર કે પોલીસ કંઈ ન કરી શકે કારણકે તેને ચોરી જ નથી મનાતી !
ડેમોક્રેટ લેગેબાટ્રાક્યૂ (એલજીબીટીક્યૂ) તરફી પણ છે. ત્યાં એલજીબીટીક્યૂ શિક્ષકોની ભરતી વધી છે. ભારતમાં પણ હવે આવો ટ્રેન્ડ શરૂ થયો છે. પહેલી ટ્રાન્સજેન્ડર મેયર, પહેલી ટ્રાન્સજેન્ડર ફલાણું. આ રીતે ટ્રાન્સજેન્ડરોને પ્રોત્સાહન અપાય છે. (ટ્રાન્સજેન્ડરો અને કિન્નરોને ઘણા સમાન ગણે છે, તેવું નથી. કિન્નરો તો જન્મથી જ હોય છે, ટ્રાન્સજેન્ડરો મનથી હોય છે. તેમને લાગે કે પોતે સ્ત્રી/પુરુષ નથી એટલે તેઓ સેક્સ સર્જરી દ્વારા પુરુષ/સ્ત્રી બની જાય.) આ શિક્ષકો બાળકોમાં એટલે કે બાળમંદિરના બાળકોમાં સેક્સ ઍજ્યુકેશનના નામે ગૂંચવણ જન્માવે કે તમે ભલે છોકરા/છોકરી તરીકે જન્મ્યા હો પણ તમે તે ન પણ હો. આપણા તાજેતરમાં જ પૂર્વ બનેલા મુખ્ય ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડ સજાતીયોના વિવાહના નામે આવું જ કરવા માગતા હતા, પણ થઈ ન શક્યું. આવા શિક્ષકો બાળકોને ગૂંચવી નાખે એટલે ગૂંચવણમાં જ બાળકો ડાક્ટર પાસે જઈ સર્જરી કરાવી આવે અને તે માટે અગાઉ તો શાળા બાળકનાં માબાપને જાણ કરવાનો નિયમ હતો પરંતુ ગયા જુલાઈથી ડેમોક્રેટ સરકારે કેલિફાર્નિયામાં આ નિયમ પણ રદ્દ કર્યો.
‘ફાક્સ ન્યૂઝ’નો અહેવાલ છે કે ‘ગે મેન્સ કારસ’ નામના સંગઠન તેમજ ઘરવિહોણા ટ્રાન્સજેન્ડરો પર કેલિફાર્નિયાની લેફ્ટ-લિબરલ ડેમોક્રેટ સરકાર હજારો ડાલર ખર્ચતી હતી. એટલું જ નહીં એક આક્ષેપ એવો પણ છે કે બાઇડેન સરકારે રશિયા સામેના યુદ્ધમાં મદદ કરવા પોતાનાં અગ્નિશામક ઉપકરણો યુક્રેઇનને આપી દીધાં ! અને તે પણ દેશના બીજા કોઈ ભાગમાંથી નહીં, લાસ એન્જલ્સમાંથી !
આ બધાંનું પરિણામ એ આવ્યું કે લાસ એન્જલ્સમાં અગ્નિશમન માટેના બજેટમાં કાપ મૂકવો પડ્યો. તે પણ ૧.૭૬ કરોડ ડાલરનો ! હવે એવા સમાચાર બહાર આવ્યા છે કે લાસ એન્જલ્સના ફાયર વિભાગના વડાએ ગત મહિને ડિસેમ્બરમાં જ સત્તાવાર પત્ર લખીને ચેતવણી આપી હતી કે બજેટમાં કાપ મૂકાવાના કારણે ફાયર વિભાગની કામગીરી પર અસર પડી રહી છે. સીએનએન જેવા લેફ્ટ-લિબરલ મીડિયાએ પણ અહેવાલ આપવો પડ્યો કે ફાયર વિભાગ અમેરિકામાં સૌથી ઓછા સ્ટાફવાળો વિભાગ છે. એટલે કે જ્યાં આગની શક્યતા વધુ છે તેવા કેલિફાર્નિયામાં – એલ. એ. (લાસ ઍન્જલ્સને એલ. એ. કહે છે)માં ઓછો સ્ટાફ હતો. આટલી વિશાળ અને વિકરાળ આગને કેવી રીતે પહોંચી શકે?
અમેરિકાને દુનિયા આખીમાં ક્યાં શું ચાલી રહ્યું છે તેની ખબર પડી જાય. હવામાનની કે અન્ય કોઈ પણ બાબતની. તો શું લાસ ઍન્જલ્સમાં આગ લાગવાની છે તે ખબર ન પડી? પડી હતી. લાસ એન્જલ્સની રાષ્ટ્રીય હવામાન સેવાએ ખતરનાક હવામાનની આગાહી કરી હતી. આ બધું બન્યું ત્યારે લાસ ઍન્જલ્સનાં મહિલા મેયર કરેન બાસ ઘાનાના પ્રવાસે હતાં !
આ બધું તો ખરાબ અને ખોટું કહેવાય જ પરંતુ આગ લાગ્યા પછી લોકોને લાસ એન્જલ્સ છોડીને જતા રહેવાની સલાહ આપી તેમાં પણ કોઈ વ્યવસ્થા ન કરી. આથી ડેમોક્રેટને ચૂંટનાર લિબરલ કહેવાતી જમાત જ તેમની ટીકા કરવા લાગી.
અભિનેત્રી સારા ફાસ્ટરે લખ્યું, “અમે કેલિફાર્નિયામાં સૌથી વધુ કર ચૂકવીએ છીએ. આપણાં ફાયર હાઇડ્રન્ટ ખાલી હતાં. વધુ પડતાં ઝાડઝાંખરાં ઊગી ગયાં હતાં. પર્યાવરણના નામે માછલી બચાવવા જળાશયો ખાલી કરી નખાયાં. ફાયર વિભાગનું બજેટ ઘટાડી નખાયું. પણ ડ્રગ્સના વ્યસનીઓને ડ્રગ્સ છૂટથી મળી રહે છે.”
સારા ફાસ્ટરને હવે ભાન થયું છે કે આત્યંતિક ડાબેરી નીતિઓએ કેલિફાર્નિયા રાજ્યને પાયમાલ કરી નાખ્યું છે. આ દાવાનળમાં પોતાનું ઘર ગુમાવનાર અભિનેતા જેમ્સ વૂડ્સે પણ ‘લિબરલ ઇડિયટ્સ’ રાજ્યપાલ ગેવિન ન્યૂઝોમ અને મેયર કરેન બાસની ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે આ આગ આબોહવા પરિવર્તનના કારણે નથી લાગી. “આ આગ એટલે લાગી છે કારણકે તમે લોકોએ ન્યૂઝામ અને બાસ જેવાં લિબરલ ઇડિયટને ચૂંટ્યાં છે. એકને ફાયર મેનેજમેન્ટની ખબર પડતી નથી અને બીજા જળાશયો ખાલી રાખે છે.
અભિનેતા વેલ્ટિન શમેર્કોવસ્કીએ લખ્યું કે “વિશ્વમાં ત્રીજા ક્રમના મનાતા આંતરમાળખા માટે આપણે વેરો ચૂકવીએ છીએ તે આ છે? મજાક ન કરો.”
આગને કાબૂમાં લાવવામાં તો ડેમોક્રેટ સરકાર નિષ્ફળ રહી જ પણ લોકોને ઘર છોડી ભાગવું પડ્યું તેની વ્યવસ્થા પણ સાવ બોદી હતી.
અભિનેત્રી સારાહ મિશેલ ગેલરે લખ્યું, “તમે ઇચ્છતા હતા કે બધાં લાસ એન્જલ્સ છોડી જતા રહે પણ રસ્તા પર સહાય માટે એક પણ ટ્રાફિક પોલીસ જવાન નહોતો.
શક્યતા તો એવી લાગી રહી છે કે બાઇડેન જતાં-જતાં ટ્રમ્પ માટે બળતું ઘર છોડીને જશે.