એક તરફ એસસીઓ સમિટ માટે તમામ દેશોના નેતાઓ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચ્યા છે તો બીજી તરફ લાહોરમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. પાકિસ્તાનની લાહોર કોલેજમાં વિદ્યાર્થીની પર થયેલા કથિત બળાત્કારના વિરોધમાં વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે.પંજાબ પ્રાંતની નેશનલ એસેમ્બલીની બહાર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ કોલેજમાં વિદ્યાર્થિની પર બળાત્કાર, પંજાબ મહિલા કોલેજમાં ઉત્પીડનની ઘટના અને વિદ્યાર્થિનીઓ સામે તાજેતરમાં થયેલી હિંસાની તપાસ માટે સમિતિની રચના કરવાની માંગ કરી છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે સમિતિમાં સ્વતંત્ર માનવાધિકાર સંસ્થાઓના સભ્યો, વિદ્યાર્થી પ્રતિનિધિઓ અને ન્યાયાધીશોનો સમાવેશ થવો જોઈએ.
લાહોરમાં કોલેજની વિદ્યાર્થિની પર થયેલા બળાત્કાર વિરુદ્ધ વિદ્યાર્થીઓનું આંદોલન પંજાબ પ્રાંતના અન્ય શહેરોમાં પણ ફેલાઈ ગયું છે. આ ઘટનાને લઈને પંજાબ પ્રાંતના મુલતાન, વેહારી, ઝફરવાલ, જહાનિયા અને ફૈસલાબાદ શહેરોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા છે. સોશિયલ મીડિયા પર લાહોરની ગુલબર્ગ ગર્લ્સ કોલેજની એક વિદ્યાર્થીની પર સંસ્થાના ભોંયરામાં સુરક્ષા ગાર્ડ દ્વારા કથિત રીતે બળાત્કાર કરવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા બાદ વિરોધ શરૂ થયો હતો.
પોલીસે શંકાસ્પદને તેમની કસ્ટડીમાં હોવાનો દાવો કર્યો હતો, પરંતુ પૂછપરછ દરમિયાન તેણે તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. પંજાબ પ્રાંતના માહિતી મંત્રી ઉઝમા બુખારીએ દાવો કર્યો હતો કે કોઈ પણ કોલેજના કેમ્પસમાં બળાત્કારની કોઈ ઘટના બની નથી. બુખારીએ કહ્યું કે લાહોર અને પંજાબને “કોલેજ કેમ્પસમાં બળાત્કારની ઘટનાના ખોટા સમાચાર ફેલાવીને” નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
દરમિયાન, લાહોરમાં પ્રોગ્રેસિવ સ્ટુડન્ટ્‌સ કલેકટીવના બેનર હેઠળ આયોજિત રેલીમાં શહેરની વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ માંગણી કરી હતી કે, “સતામણી વિરોધી કાયદાઓ અને પ્રક્રિયાઓ વિશે જાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ.” આને લગતી માહિતી શૈક્ષણિક અભ્યાસક્રમમાં સામેલ કરવી જોઈએ.” મુલતાનમાં પંજાબ કોલેજના વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું, જેના કારણે પોલીસે લાઠીચાર્જ કર્યો અને ઘણા વિદ્યાર્થીઓની ધરપકડ કરી, જ્યારે ઝફરવાલમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ મુખ્ય જીટી રોડ પર ટાયરો સળગાવીને રોડ બ્લોક કર્યો.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આ પહેલા સોમવારે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથેની અથડામણમાં ઓછામાં ઓછા ૨૮ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે પ્રશાસને ઘટનાને ઢાંકવાના પ્રયાસરૂપે કેમ્પસમાં અને તેની આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરાના રેકોર્ડીંગને કાઢી નાખ્યા હતા