લીલીયા તાલુકાના પૂંજાપાદર ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામના માલધારી ગોવિંદભાઈ રામાભાઈ રાતડીયાના ઘેટા-બકરાના વાડામાં રાત્રે દીપડો ત્રાટક્યો હતો. દીપડાના અચાનક હુમલાથી વાડામાં રહેલા પશુઓમાં નાસભાગ મચી ગઈ હતી. આ હુમલામાં ૧૬ ઘેટા-બકરાના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય ૭ પશુઓને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં લીલીયા રેન્જની વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. વન વિભાગે પંચનામાની કાર્યવાહી હાથ ધરી છે અને દીપડાનું લોકેશન શોધવા માટે સ્કેનિંગની કામગીરી શરૂ કરી છે. વિભાગ દ્વારા આ વિસ્તારમાં પાંજરા મૂકવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. સરકારના નિયમ મુજબ માલધારી પરિવારને મૃત પશુઓનું વળતર ચૂકવવામાં આવશે. ગ્રામજનોએ દીપડાને પકડીને અન્યત્ર ખસેડવાની માંગણી કરી છે.