લીલીયા સિવિલ હોસ્પિટલમાં કાયમી ડોક્ટર માટે આરોગ્ય મંત્રીને અમરેલી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી નીતિનભાઈ ત્રિવેદીએ પત્ર પાઠવ્યો છે. પત્રમાં માંગ કરવામાં આવેલ છે કે લીલીયા તાલુકામાં હાલમાં એક પણ ડોક્ટર, ઓફિસર કે અધિક્ષક લીલીયા સિવિલ હોસ્પિટલમાં નથી. હાલમાં એક ડોક્ટર ડેપ્યુટેશન પર મુકેલ છે. તાલુકા કક્ષાની હોસ્પિટલ હોવાથી રોજના ૨૦૦ ઉપરાંત દર્દીઓ આવે છે તો લીલીયા હોસ્પિટલમાં સ્.જી કે સ્.ડ્ઢ ડોક્ટર પણ આપવાની જરૂર છે તેમજ અધિક્ષકની જગ્યા ખાલી છે સાથે ત્રણ મેડિકલ ઓફિસરની પણ જગ્યા ખાલી છે. એક પણ પ્રકારના સર્જન પણ નથી તો સરકાર મોટી મોટી વાતો કરવાના બદલે તાત્કાલિક ડોક્ટરની નિમણૂક કરે તેવી માંગ પત્રમાં કરવામાં આવેલ છે. પત્રમાં વધુમાં જણાવેલ છે કે લીલીયા તાલુકો પછાત તાલુકો છે, ગરીબ માણસો વસવાટ કરે છે ત્યારે તાત્કાલિક ડોક્ટરોની નિમણૂક આપવા માટે માંગ કરવામાં આવેલ છે. સાથે સાથે જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવેલ છે. અત્રે નોંધનીય છે કે આરોગ્યમંત્રીએ ડોકટરો મુકવાની જાહેરાત કરેલ છે પરંતુ ડોકટરોની નિમણૂંક કયારે થશે તેના પર દર્દીઓ મીટ માંડીને બેઠા છે.