લીલીયા તાલુકાના દાડમા ખાતે દાડમા સેવા સહકારી મંડળી લિમિટેડની ૬૯મી સાધારણ સભા શનિવાર, તા. ૩૧ના રોજ રામનાથ મહાદેવ મંદિર, દાડમા ખાતે મંડળીના પ્રમુખ શાંતિભાઈ ઘનશ્યામભાઈ ધાનાણીના અધ્યક્ષપદે યોજાઈ હતી. આ સાધારણ સભામાં મંડળીના મંત્રી દેવરાજ ખાંભલિયાએ વાર્ષિક હિસાબો રજૂ કર્યા હતા. મંડળીએ ૩૧,૦૦,૦૦૦/- રૂપિયાનો નફો કર્યો હતો અને સભ્યોને ૧૨% ડિવિડન્ડ જાહેર કર્યું હતું. તેમજ સભ્યોને આકર્ષક ભેટ પણ વિતરિત કરવામાં આવી હતી. આ સાધારણ સભામાં દાડમા પ્રાથમિક શાળાના ૧થી ૩ નંબર મેળવનાર ૧૫ તેજસ્વી વિદ્યાર્થીઓને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ શાળાના શિક્ષક જયેશભાઈ જોષીને જિલ્લાના સર્વશ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળતા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સાધારણ સભામાં અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના વાઈસ ચેરમેન અરૂણભાઈ પટેલ અને જનરલ મેનેજર બી.એસ.કોઠીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સહકારથી
સમૃદ્ધિ અને સરકારના સહકારના ૧૮ આયામો વિશે માહિતી આપી હતી. ઈફકો કંપનીના પ્રતિનિધિઓ અજિતસિંહ સોલંકી અને પ્રતિકભાઈ રામાણી પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને નેનો યુરિયા અને નેનો ડી.એ.પી. વિશે માહિતી આપી હતી. આ સાધારણ સભામાં બેંકની લીલીયા શાખાના બ્રાંચ મેનેજર જિતેન્દ્રભાઈ વઘાસીયા, બ્રાંચ ઇન્સ્પેક્ટર ભૌમિકભાઈ ભુવા અને શાખાનો સમગ્ર સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો અને સભ્યોને બેંક વિશે માહિતી આપી હતી. જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલભાઈ દુધાત, ભીખાલાલ ધોરાજિયા સહિત લીલીયા તાલુકાની તમામ સેવા સહકારી મંડળીના પ્રમુખો અને મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.