લીલીયા નજીક માલગાડીની અડફેટે ત્રણ ગાયો આવી જતા તેમના કમકમાટીભર્યા મોત થતા ગૌપ્રેમીઓમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. લીલીયા ભેંસવડી વચ્ચે ફાટક નંબર ૪૧/સી અને ૪૨/સી વચ્ચે પીપાવાવ પોર્ટથી ધોળા જતી માલગાડી અડફેટે ચડી જતા ત્રણ ગાયોના મોત થયા હતા. માલગાડીના ડ્રાઇવરે અહી ટ્રેન અટકાવવાની પણ તસદી લીધી ન હતી. હિન્દુ સમાજ માટે ગાય પવિત્ર અને પુજનીય છે. રેલવે તંત્ર હાઇકોર્ટની ફટકાર ખાઇ ચુકયુ છે જેથી રેલવેના ડ્રાઇવરો રસ્તામાં સિંહ જુએ તો માલગાડી અટકાવી જાણે સિંહને બચાવી લીધો હોય તેવા દાવા કરે છે. સિંહને જોઇ ટ્રેન અટકાવનાર ડ્રાઇવરો કયારેય ગાયને જોઇને ટ્રેન અટકાવતા નથી. લોકોપાયલોટની બેદરકારીને કારણે ત્રણ ગાયોના મોત થતા ગૌપ્રેમીઓમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.