લીલીયા મોટાની પે સેન્ટર કન્યા શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ નાગરિકોને તેમના રહેઠાણ નજીક ઉપલબ્ધ કરાવવાનો હતો.કાર્યક્રમનું ઉદઘાટન મામલતદાર જયરામભાઈ દેસાઈ, ટી.ડી.ઓ તુષાર રાદડિયા, કાનજીભાઈ નાકરાણી, તાલુકા હેલ્થ ઓફિસર સિધ્ધપુરા, C.D.P.O મીનાક્ષીબેન રાઠોડ, ભનુભાઈ ડાભી, ભીખાભાઈ ધોરાજીયા, કેપ્ટન ધામત અને લીલીયા સરપંચ જીવનભાઈ વોરા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આધાર નોંધણી, રાશનકાર્ડમાં સુધારા, જાતિ પ્રમાણપત્ર, કુંવરબાઈનું મામેરું જેવી વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. લીલીયા પોલીસના દીપકભાઈ ગોહિલ અને અસ્મિતાબેન ચુડાસમા દ્વારા સાયબર ક્રાઈમ જાગૃતિ અને ટ્રાફિક નિયમો અંગે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો લાભ લીલીયા, ગોઢાવદર, પુંજાપાદર, સલડી, સહિત તાલુકાના સમસ્ત ગામોના નાગરિકોએ લીધો હતો. કાર્યક્રમમાં વન વિભાગ,PGVCL, આરોગ્ય વિભાગ, આંગણવાડી વર્કરો, આશા વર્કર બહેનો, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી તેમજ વિવિધ કચેરીઓના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.