સા. કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ સંચાલિત લોકશાળા ખડસલીએ સજીવ ખેતીના ક્ષેત્રે એક આદર્શ મોડેલ ઊભું કર્યું છે. સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામમાં આવેલી આ ઉચ્ચતર માધ્યમિક શાળા અને પશુપાલન પોલિટેકનિક કોલેજમાં સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરવામાં આવે છે. શાળાના ખેતરમાં ભીંડો, દૂધી, ડુંગળી, ગુવાર, તુરિયા અને બીટ જેવા વિવિધ શાકભાજીનું ઉત્પાદન કરવામાં આવે છે. આધુનિક ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીને પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવામાં આવે છે. ખેતીમાં
બીજામૃત, પંચામૃત, ગૌમૂત્ર, છાશ, છાણ અને રાખ જેવી કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ નવતર પ્રયોગને સફળ બનાવવામાં શાળાના ઇન્ચાર્જ નાનજીભાઈ મકવાણા, હરેશભાઈ પંડ્‌યા અને ગોવાભાઈ ગાગિયા સહિત સમગ્ર સ્ટાફ તેમજ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોનો સહિયારો પુરુષાર્થ રહ્યો છે.