લોકસભામાં, ડીએમકે, તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) અને અન્ય વિપક્ષી પક્ષોના સભ્યોએ મનરેગાના મુદ્દા પર સરકારના જવાબો પર અસંતોષ વ્યક્ત કર્યો અને હંગામો મચાવ્યો. આ અંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે સભ્યોએ રાજ્યોનો રાજકીય એજન્ડા ગૃહમાં ન લાવવો જાઈએ. વિપક્ષી સભ્યોના હોબાળાને કારણે, સ્પીકરે ગૃહને લગભગ ૧૫ મિનિટ માટે બપોરે ૧૨ વાગ્યા સુધી મુલતવી રાખ્યું.
પ્રશ્નકાળ દરમિયાન, કેરળ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના સભ્યોએ મનરેગાના બાકી લેણાં સંબંધિત પૂરક પ્રશ્નો પૂછ્યા. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી ચંદ્રશેખર પેમ્માસાની દ્વારા આપવામાં આવેલા જવાબોથી વિપક્ષી પક્ષોના સભ્યો અસંતુષ્ટ હતા અને તેઓ સ્પીકરની ખુરશી પાસે આવીને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા.
શિવરાજ સિંહ ચૌહાણે ગૃહમાં જણાવ્યું હતું કે મનરેગા હેઠળ તમિલનાડુ માટે ૮૫ હજાર કરોડ રૂપિયાની રકમ જારી કરવામાં આવી છે અને બાકીની રકમ પણ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. આ ઉપરાંત, મનરેગા હેઠળ પશ્ચિમ બંગાળ માટે ૫૪,૫૧૫ કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે પાલન પૂર્ણ થયા પછી બાકી ભંડોળ મુક્ત કરવામાં આવશે.
ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી ચંદ્રશેખર પેમ્માસાનીએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં મનરેગા હેઠળના ભંડોળનો દુરુપયોગ જાવા મળ્યો છે અને જ્યાં સુધી ગેરરીતિઓ દૂર નહીં થાય ત્યાં સુધી ભંડોળ છોડવામાં આવશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં મનરેગા હેઠળ વેતનમાં ૪૩ ટકાનો વધારો થયો છે.
વિરોધ પક્ષોના સભ્યોના સૂત્રોચ્ચાર અને હોબાળા વચ્ચે, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે પ્રશ્નકાળ દરમિયાન રાજ્યોના રાજકીય એજન્ડાને ઉઠાવવો અને તેના પર વિક્ષેપ પાડવો એ ગૃહની શિષ્ટાચારની વિરુદ્ધ છે. તેમણે વિપક્ષી સભ્યોને પોતાની જગ્યાએ બેસવા અને પ્રશ્નકાળને સરળતાથી ચાલવા દેવાની અપીલ કરી. સ્પીકરે એમ પણ કહ્યું કે દરેકને ગૃહમાં પ્રશ્નો પૂછવાનો અધિકાર છે, પરંતુ રાજકીય એજન્ડા લાવવા અને ગૃહની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવી યોગ્ય નથી. હોબાળા અને ઘોંઘાટને કારણે લોકસભા સ્પીકરે ગૃહની કાર્યવાહી લગભગ ૧૫ મિનિટ માટે સ્થગિત કરી દીધી.