લોકસભા ચૂંટણીમાં ઝટકા બાદ ભાજપની આગામી ચાર વિધાનસભા ચૂંટણીની રણનીતિને લઈને ગુંચવણો વધી ગઈ છે. પાર્ટી આક્રમક અને સંતુલત ચુંટણી અભિયાનને લઈને ગડમથલમાં છે. એક વર્ગનું માનવું છે કે, આ સમયે વિપક્ષી દબાણમાં આવવાને બદલે પાર્ટીએ પહેલાની જેમ પોતાનું આક્રમક અભિયાન જ ચાલુ રાખવું જાઈએ, પરંતુ આ રણનીતિથી નુકસાન થવાની પણ આશંકા છે. કારણ કે વિપક્ષી ઈન્ડીયા ગઠબંધનના દળોમાં વિરોધાભાસ છતા ભાજપ વિરોધી સુર એક જેવા છે.
ભાજપે આગામી ચાર રાજયો હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચુંટણી માટે પોતાના પ્રભારી (ઈન્ચાર્જ) ઘણા સમય પહેલા તૈનાત કરી દીધા હતા. આ નેતાઓએ રાજયોમાં જઈને પ્રારંભીક દોરની બેઠકો પણ કરી છે.
સૂત્રો અનુસાર ચુંટણી પ્રભારીઓનો પ્રારંભીક રિપોર્ટ ખૂબ સારો નથી. બધા રાજયોમાં સંગઠનને લઈને મુશ્કેલીઓ વધી ગઈ છે. આ સ્થિતિમાં વિપક્ષી પડકારોનો સામનો કરવો ઘણો મુશ્કેલ લાગશે. આ કારણે પાર્ટીનું નેતૃત્વ આ સમયે સંગઠનાત્મક સમસ્યાઓને ઉકેલવામાં લાગ્યુ છે. જેથી ચુંટણી અભિયાનને ગતિ આપી શકાય. પાર્ટીની સામે એક મોટો મુદો ચુંટણી અભિયાનને લઈને પણ છે.
લોકસભા ચૂંટણીમાં અને તેના પહેલાની વિધાનસભા ચુંટણીમાં ભાજપે વિપ વિરુદ્ધ ખૂબ જ આક્રમક અભિયાન ચલાવ્યુ હતું, તેને ફાયદો પણ થયો છે પણ લોકસભામાં અનેક રાજયોમાં તેનું નુકસાન પણ થયું હતું. ખાસ કરીને જયાં સંગઠનમાં નારાજગી હતી. ઝારખંડ અને મહારાષ્ટ્રમાં પણ સંગઠનમાં કેટલીક સમસ્યાઓ થઈ રહી છે.
હરિયાણામાં પણ મુખ્યમંત્ર બદલવા છતાં સામાજીક સમીકરણમાં સુધારો નથી આવી રહ્યો, ઉલટુ બગડવાની આશંકા છે. મહારાષ્ટ્રમાં ગઠબંધનની સાથે ચાલવું પડકાર બની રહેશે તો જમ્મુ-કાશ્મીર ખીણમાં ભાજપની સમસ્યાઓ યથાવત છે. ઝારખંડમાં ભાજપના મોટા નેતાઓના ઝઘડાનો ઉકેલ આવ્યો છે અને ત્યાં બહેતર દેખાવની આશા છે તો આરએસએસથી પણ મદદ મળવાની આશા છે.