બાંગ્લાદેશની વચગાળાની સરકાર દ્વારા રચવામાં આવેલા કમિશને દાવો કર્યો છે કે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના શાસનકાળ દરમિયાન બળજબરીથી ગુમ થવાની ઘટનાઓમાં ભારતની ભૂમિકા પણ સામે આવી છે. પંચના અહેવાલને ટાંકીને કહ્યું હતું કે, “બાંગ્લાદેશમાં બળજબરીથી ગાયબ થવાના કેસોમાં ભારતની સંડોવણી જાહેર રેકોર્ડની બાબત છે.”
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ મૈનુલ ઇસ્લામ ચૌધરીની આગેવાની હેઠળનું પાંચ સભ્યોનું પંચ માને છે કે કેટલાક કેદીઓ હજુ પણ ભારતીય જેલોમાં બંધ છે. કમિશને કહ્યું, “અમે વિદેશ અને ગૃહ મંત્રાલયોને સલાહ આપીએ છીએ કે તેઓ ભારતમાં જેલમાં બંધ બાંગ્લાદેશી નાગરિકની ઓળખ માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરે. “આ મામલાની બાંગ્લાદેશની બહાર તપાસ કરવી કમિશનના અધિકારક્ષેત્રની બહાર છે.”
કમિશનનું કહેવું છે કે તેને ભારતમાં અટકાયતીઓ હોવા અને બળજબરીથી ગુમ થવાના બનાવોમાં ભારતીય એજન્સીઓની સંડોવણી વિશે ગુપ્ત માહિતી પ્રાપ્ત થઈ છે. કમિશને આવા ઓપરેશનો કેવી રીતે હાથ ધરવામાં આવ્યા હતા તેના પુરાવા આપતા બે લોકપ્રિય કેસ ટાંક્યા હતા. કમિશને કહ્યું, “એક કેસ સુખરંજન બાલીનો હતો, જેનું બાંગ્લાદેશના સુપ્રીમ કોર્ટ સંકુલમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં તે ભારતીય જેલમાં મળી આવ્યો હતો અને બીજા કેસ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના નેતા સલાહુદ્દીન અહેમદનો હતો.