રાજુલા નજીક જાફરાબાદ તાલુકાના લોઠપુરથી ગુજરાત પાવર પ્લાન્ટ સુધીનો રસ્તો એટલો બિસ્માર બની ગયો છે કે વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ રસ્તા પર અનેક મોટી કંપનીઓ આવેલી હોવા છતાં અને હજારો વાહનોની અવરજવર થતી હોવા છતાં રસ્તો રિપેર કરવામાં કોઈ રસ દાખવતું નથી. આ રસ્તા પર ગેસ ભરવાનું મથક, એસી ઝેડ ઈ કોમ્પલેક્સ, રિલાયન્સ ડિફેન્સ (હાલ સ્વાન એનર્જી), પાવર પ્લાન્ટ, એલએન્ડટી સિમેન્ટ અને દરિયા કિનારે સ્વાન એનર્જી જેવી મોટી કંપનીઓ આવેલી છે. આ તમામ કંપનીઓના હજારો વાહનો આ રસ્તા પરથી પસાર થાય છે. પરંતુ રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે માત્ર ૮ કિલોમીટરનો રસ્તો કાપવામાં એક કલાકનો સમય લાગી જાય છે. આ રસ્તા પર એક શાળા પણ આવેલી છે. હજારો વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરવા માટે આ રસ્તા પરથી પસાર થાય છે પરંતુ રસ્તાની ખરાબ હાલતને કારણે તેમને પણ ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકો અને વાહનચાલકોએ આ સમસ્યા અંગે અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. સરકાર કે ખાનગી કંપનીઓમાંથી કોઈ આ રસ્તાને રિપેર કરવા માટે તૈયાર નથી.