વકફ બિલ પસાર થતાં હવે દેશભરના મુસ્લીમ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે વકફ બિલ પસાર થતાં ગુજરાત ભાજપમાં પહેલી વિકેટ પડી છે. બારડોલી ભાજપના પૂર્વ કોર્પોરેટર અને પ્રવક્તા કાલુ કરીમ શેખે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે.
બારડોલી ખાતે પૂર્વ કોર્પોરેટર અને નગર ભાજપ હોદ્દેદાર કાલુ કરીમ શેખે ભાજપના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. સાથે જ અન્ય ત્રણ જેટલા બૂથ પ્રમુખોએ પણ રાજીનામું આપ્યું છે. તેઓએ જિલ્લા તેમજ નગર સંગઠન આગેવાનોને પોતાના રાજીનામા મોકલી આપ્યા છે. કાલુ કરીમ શાહે ભાજપના તમામ હોદ્દા ઉપરથી રાજીનામુ આપી સમાજને સમર્થન આપ્યું છે. તેઓએ વકફ બિલને સમાજ વિરોધી ગણાવ્યું.
કાલુ કરીમ શેખે રાજીનામું આપતા જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં “સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ” ના સૂત્રથી અંજાઈને અને મારા વિસ્તારના વિકાસના કાર્યો કરવા હું વર્ષ ૨૦૧૯ માં બારડોલી નગરપાલિકાનાં કોંગ્રેસી કોર્પોરેટર પદે કાર્યરત હોવા છતાં ભાજપમાં સક્રિય રીતે જોડાયો હતો આ દરમિયાન ભાજપ પક્ષ દ્વારા મને વ્યક્તિગત રીતે ખુબજ માન સન્માન પણ આપવામાં આવ્યું હતું. અને વર્ષ ૨૦૨૧ બારડોલી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. ૬ માં ભાજપની ટિકિટ (મેન્ડેટ) પણ ફાળવવામાં આવેલ અને આ ચુંટણીમાં મારા દ્વારા ખુબજ મેહનત કરી વોર્ડમાં ભાજપની વિકાસની વિચારધારનો ખુબજ મોટાપાથે પ્રચાર પ્રસાર કરી ઐતિહાસિક મતો પણ મેળવવામાં આવેલ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આ ઉપરાંત સંગઠનમાં મને બૂથ પ્રમુખ શક્તિ કેન્દ્ર ઈન્ચાર્જ સહિત બારડોલી નગર ભાજપનાં મુખ્ય સંગઠનમાં પ્રવક્તા તરીકેની ખૂબજ અગત્યની જવાબદારી પણ આપવામાં આવી હતી. પરંતુ છેલ્લા ઘણાં સમયથી ભાજપના ‘સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ’ સૂત્રને સાર્થક કરવાને બદલે પક્ષની નીતિરીતિમાં મુસ્લીમ સમાજ માટેનું ઓરમાયું વર્તન વધતું જાય છે. વકક સુધારણ બીલ તથા સમાન સિવિલ કોડ જેવા કાયદા એ મારા પવિત્ર કુરાનના શરિઅતી કાનુનથી સાવ વિરુદ્ધ હોય મારી મારા ધર્મ અને સમાજ પ્રત્યેની લાગણી દુભાય છે. જેનાથી હું ખુબ દુઃખી છું અને દુઃખી હ્રદય એ હું આજે ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય સહિત સંગઠનનો તમામ પદી પરથી રાજીનામું આપું છું.
તેમણે વધુમાં કહ્યું કે, મારી સાથે સાથે બારડોલી નગર પાલિકાના વોર્ડ નંબર કના ત્રણ બૂથ પ્રમુખો અને મારી સાથે જોડાયેલા સૌ ભાજપના મુસ્લીમ કાર્યકરો પણ વકફ સુધારણ બીલ તથા સમાન સિવિલ કોડ જેવા કાથટા વિરુદ્ધ પ્રાથમિક અને સક્રિય સભ્ય તરીકે રાજીનામું આપે છે.
ગુરુવારે મોડી રાત્રે રાજ્યસભામાં વકફ સુધારા બિલ પણ પસાર થયું. બિલના પક્ષમાં ૧૨૮ સાંસદોએ મતદાન કર્યું અને ૯૫ સાંસદોએ વિરોધમાં મતદાન કર્યું. આ પહેલા બુધવારે મોડી રાત્રે લોકસભામાં વકફ સુધારા બિલ પસાર કરવામાં આવ્યું હતું. લોકસભામાં બિલના પક્ષમાં ૨૮૮ મત પડ્યા અને તેની વિરુદ્ધમાં ૨૩૨ મત પડ્યા. ગુરુવારે બપોરે ૧ વાગ્યાથી રાજ્યસભામાં બિલ પર ચર્ચા ચાલી રહી હતી. જે લગભગ ૧૩ કલાક સુધી ચાલી. હવે આ બિલ રાષ્ટ્રપતિ પાસે જશે. તેમની મંજૂરી મળ્યા પછી તે કાયદો બનશે. બુધવારે લોકસભામાં પસાર થયા બાદ ગુરુવારે રાજ્યસભામાં વકફ સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું. બપોરે ૧ વાગ્યાથી ચર્ચા ચાલી હતી.