સંસદ દ્વારા વક્ફ સુધારા બિલ ૨૦૨૫ પસાર થયા પછી, રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે કહ્યું કે વિભાજનકારી રાજકારણ દેશને નુકસાન પહોંચાડશે. સિબ્બલે જણાવ્યું હતું કે બિલમાં સુધારા પર ૧૨૫ થી ૯૨ મત પડ્યા હતા અને બિલ પસાર થવા માટે ૧૨૮ થી ૯૫ મત પડ્યા હતા. બંને ગૃહોમાં તેમની પાસે બહુમતી છે. એટલા માટે આવું બન્યું છે.

આ સાથે કપિલ સિબ્બલે કહ્યું કે બિલનો ઘણો વિરોધ થયો છે. આના રાજકીય પરિણામો આવશે, ખાસ કરીને એવા રાજકીય પક્ષો પર જેમણે બિહારમાં ચૂંટણીઓ આવી રહી હોવાથી ભાજપને ટેકો આપ્યો છે. ભાગલાની રાજનીતિ દેશને નુકસાન પહોંચાડશે.

સંસદમાં ભારે ચર્ચા બાદ ગુરુવારે મોડી રાત્રે વકફ સુધારા બિલ ૨૦૨૫ પસાર કરવામાં આવ્યું. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું, ‘હામાં ૧૨૮ અને નામાં ૯૫ મત પડ્યા, કોઈ ગેરહાજર નહોતા. બિલ પસાર થઈ ગયું છે. મુસ્લીમ વકફ (રદ) બિલ, ૨૦૨૪ પણ સંસદમાં પસાર થઈ ગયું છે. બિલ પસાર કરવા માટે બધા સાંસદો મધ્યરાત્રિથી વધુ સમય સુધી ગૃહમાં બેઠા રહ્યા.

કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ વિપક્ષી પાર્ટીઓ પર વકફ સુધારા બિલ પર લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે આનાથી મુસ્લીમ સમુદાયના કરોડો લોકોને ફાયદો થશે. રાજ્યસભામાં બિલ પર ૧૨ કલાકથી વધુ ચાલેલી ચર્ચાનો જવાબ આપતા રિજિજુએ કહ્યું કે સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા આપવામાં આવેલા ઘણા સૂચનોને સુધારેલા બિલમાં સામેલ કરવામાં આવ્યા છે.

રિજિજુએ જણાવ્યું હતું કે વકફ (સુધારા) બિલ, ૨૦૨૫નું નામ બદલીને  યુનિફાઇડ વકફ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ બિલ રાખવામાં આવશે. બુધવારે લોકસભામાં વકફ (સુધારા) બિલ પર ચર્ચા થઈ. ગૃહમાં બિલ પર ગરમાગરમ ચર્ચા બાદ, તે મધ્યરાત્રિએ પસાર થઈ ગયું.

ગયા વર્ષે ઓગસ્ટમાં રજૂ કરાયેલા કાયદાની તપાસ કરતી સંયુક્ત સંસદીય સમિતિની ભલામણોને સમાવિષ્ટ કર્યા પછી સરકારે સુધારેલ બિલ રજૂ કર્યું. આ બિલનો ઉદ્દેશ્ય અગાઉના કાયદાની ખામીઓને દૂર કરવાનો, વકફ બોર્ડની કાર્યક્ષમતા વધારવાનો, નોંધણી પ્રક્રિયામાં સુધારો કરવાનો અને વકફ રેકોર્ડના સંચાલનમાં ટેકનોલોજીની ભૂમિકા વધારવાનો છે.