લોકસભામાં પસાર થયેલા વક્ફ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કોર્ટમાં જવાની જાહેરાત કરી છે. તમિલનાડુના મુખ્યમંત્રી અને ડીએમકે પ્રમુખ એમકે સ્ટાલિને ગુરુવારે કહ્યું કે તેમની પાર્ટી બિલ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરશે. લોકસભામાં બિલ પસાર થવાના વિરોધમાં સ્ટાલિન કાળી પટ્ટી પહેરીને વિધાનસભા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારતમાં મોટી સંખ્યામાં પક્ષોના વિરોધ છતાં કેટલાક સાથી પક્ષોના કહેવા પર રાત્રે ૨ વાગ્યે સુધારાને અપનાવવા એ બંધારણના માળખા પર હુમલો છે.
મુખ્યમંત્રીએ ગૃહને જણાવ્યું કે આ ધાર્મિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનું કૃત્ય છે. આ વાતને ઉજાગર કરવા માટે, અમે આજે કાળી પટ્ટી પહેરીને વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લઈ રહ્યા છીએ. સ્ટાલિને કહ્યું, ‘હું તમને જણાવવા માંગુ છું કે દ્રવિડ મુનેત્ર કઝગમ વતી આ વિવાદાસ્પદ સુધારા સામે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે.’ તમિલનાડુ કેન્દ્ર સરકારના કાયદા સામે લડશે જે વક્ફ બોર્ડની સ્વતંત્રતાનો નાશ કરે છે અને લઘુમતી મુસ્લિમ વસ્તીને જાખમમાં મૂકે છે.
તેમણે કહ્યું કે રાજ્ય વિધાનસભાએ ૨૭ માર્ચે પ્રસ્તાવિત સુધારા વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો હતો કારણ કે તેનાથી લઘુમતી મુસ્લિમ સમુદાય પર અસર થશે. આનાથી ભારતના ધાર્મિક સૌહાર્દ પર ગંભીર અસર પડશે. તેમણે કહ્યું કે લોકસભામાં ૨૩૨ સાંસદોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હોવા છતાં વકફ કાયદામાં સુધારો પસાર થયો તે ખૂબ જ નિંદનીય છે. આ કોઈ સામાન્ય સંખ્યા નથી. આ સંખ્યા વધી પણ શકે છે. તેના પક્ષમાં માત્ર ૨૮૮ સભ્યોએ મતદાન કર્યું.