અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. દુનિયાભરના નેતાઓ આના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ દરમિયાન, કોંગ્રેસના નેતા જયરામ રમેશે એક મોટી ટિપ્પણી કરી છે અને દાવો કર્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફક્ત તેમના વખાણ સાંભળવા માંગે છે અને તેમને ‘ટેરિફ’ની કોઈ ચિંતા નથી. આ ઉપરાંત, ભારતે પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને ટ્રમ્પની પ્રતિશોધાત્મક ટેરિફ લાદવાની જાહેરાત અને અમેરિકાના “ધમકી”નો જવાબ આપવા માટે સામૂહિક સંકલ્પ બતાવવાની જરૂર છે.
તેમણે આરોપ લગાવ્યો કે વડા પ્રધાન મોદી આવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર જવાબ આપતા નથી અને જ્યારે વિદેશ પ્રધાન એસ જયશંકર બોલે છે, ત્યારે તેઓ અમેરિકાના “પ્રવક્તા અને રાજદૂત” ની જેમ વાત કરે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગુરુવારે પુનરોચ્ચાર કર્યો હતો કે અમેરિકન માલ પર ટેરિફ લગાવનારા દેશો પર પ્રતિક્રિયાત્મક ટેરિફ ૨ એપ્રિલથી અમલમાં આવશે. ટ્રમ્પે કહ્યું, “સૌથી મોટી વાત ૨ એપ્રિલે થશે જ્યારે પ્રતિક્રિયાત્મક ટેરિફ લાગુ કરવામાં આવશે, પછી ભલે તે ભારત હોય કે ચીન કે અન્ય કોઈ દેશ. ભારત એક એવો દેશ છે જે ખૂબ ઊંચા ટેરિફ લાદે છે. ટ્રમ્પની જાહેરાત વિશે પૂછવામાં આવતા, કોંગ્રેસના નેતા રમેશે દાવો કર્યો કે, “આપણા વડા પ્રધાન ફક્ત પ્રશંસા સાંભળવા માંગે છે, તેમને ટેરિફની ચિંતા નથી. આપણા નાગરિકોને અમેરિકાથી અપમાનજનક રીતે દેશનિકાલ કરવામાં આવ્યા. વડા પ્રધાન આ અંગે સંપૂર્ણપણે મૌન રહ્યા.
પ્રધાનમંત્રી ફક્ત ખુશામત કરી રહ્યા છે. તેમણે સીધું બોલવું જાઈએ, નાના દેશો બોલી રહ્યા છે. તેમણે કટાક્ષમાં પૂછ્યું, “ટ્રમ્પ ભારત જેવા દેશને ધમકી આપી રહ્યા છે, તો વડા પ્રધાન તેમની ૫૬ ઇંચની છાતી કેમ નથી બતાવી રહ્યા?” રમેશે કહ્યું, “ઇન્દિરા ગાંધીજી (ભૂતપૂર્વ વડા પ્રધાન) એ તત્કાલીન યુએસ રાષ્ટÙપતિ રિચાર્ડ નિક્સનને શું કહ્યું હતું? આ યાદ રાખો. ૪ નવેમ્બર, ૧૯૭૧ ના રોજ, જ્યારે નિક્સન અને હેનરી કિસિંજર (નિક્સના સમયમાં યુએસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર) એ ભારતને બદનામ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઇન્દિરાજી ઉભા થયા અને કહ્યું કે હું ભારતના હિતમાં જે કંઈ કરવું પડશે તે કરીશ.
આજે આપણા પ્રધાનમંત્રી નમસ્તે ટ્રમ્પ કહેવા અને ગળે મળવામાં વ્યસ્ત છે. તેમના મતે, અમેરિકામાં જે રીતે ભારતીય નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, તે આપણી સાર્વભૌમત્વનો પ્રશ્ન છે. બજેટ સત્રના બીજા તબક્કા દરમિયાન ટેરિફના મુદ્દા પર કોંગ્રેસ સંસદમાં વડા પ્રધાન પાસેથી જવાબ માંગશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા રમેશે કહ્યું, “વડા પ્રધાન જવાબ આપતા નથી, તેઓ વિદેશ પ્રધાનને મોકલે છે. વિદેશ પ્રધાન અમેરિકાના પ્રવક્તા અને અમેરિકાના રાજદૂત તરીકે બોલે છે.
તેમણે કહ્યું, “આ એક ગંભીર મુદ્દો છે. ચીન વિશે કંઈ કહેવામાં આવ્યું નહીં, શું કોઈ સમજૂતી થઈ છે? લોકસભા અને રાજ્યસભામાં ચીન પર કોઈ ચર્ચા થઈ ન હતી. વિદેશ મંત્રીએ ફક્ત એક લેખિત નિવેદન વાંચ્યું અને ચાલ્યા ગયા. રમેશે કહ્યું કે અમેરિકાનો મુદ્દો સંવેદનશીલ છે અને તેના પર સામૂહિક સંકલ્પ બતાવવાની જરૂર છે. વિપક્ષ સર્વપક્ષીય બેઠકની માંગ કરશે કે કેમ તે અંગેના પ્રશ્નના જવાબમાં કોંગ્રેસના નેતાએ કહ્યું, “વડાપ્રધાન સર્વપક્ષીય બેઠકમાં આવતા નથી.” વિદેશ મંત્રી આવે છે અને ઉપદેશ આપે છે.