અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના બરવાળા બાવળ ગામમાંથી બે ભેંસોની ચોરી થવાના ગુનામાં વડિયા પોલીસે ત્રણ આરોપીઓને પકડ્યા છે. વિપુલભાઈ માલાણી દ્વારા વડિયા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, બરવાળા બાવળ ગામમાં આવેલી તેમની વાડીમાંથી કોઈ અજાણ્યા શખ્સોએ ભેંસો ચોરી કરી હતી. વડિયા પોલીસે આ કેસની તપાસ શરૂ કરી હતી અને ટેકનિકલ સોર્સના આધારે ત્રણ શંકાસ્પદ શખ્સોની પૂછપરછ કરી હતી. પરેશ વિઠ્ઠલભાઈ પાનસુરિયા, સાગર ચુનીલાલ ગોહેલ અને અરવિંદ દેવશીભાઇ મકવાણાએ આ ચોરીનો ગુનો કબૂલ્યો હતો. તપાસમાં એક ભેંસ ચોટીલા આસપાસના વિસ્તારમાં બીજી ભેંસ ખંભાત આસપાસના વિસ્તારમાં વેચાઈ હતી. વડિયા પોલીસ ચોટીલામાંથી ચોરાયેલી ભેંસને પાડી સાથે વડિયા પોલીસ સ્ટેશનમાં પરત લાવી હતી અને બીજી ભેંસને પણ ખંભાતથી પરત લાવવાની કાર્યવાહી કરી રહી છે. આ પ્રકારની કાર્યવાહીથી ખેડૂતોને મહેનતની કમાણી પરત મળતાં તેમને મોટી રાહત મળી છે.