અમરેલી જિલ્લામાં પરિણીતાને શારિરીક અને માનસિક ત્રાસ સાસરીયાઓ આપતા હોવાની વારંવાર ફરિયાદ નોંધાઈ છે ત્યારે હવે પરિણીતાને સાસરીયાઓ દ્વારા ઢોર માર મારવામાં આવતો હોવાની પણ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. જેમાં વડીયા તાલુકાના તોરી ગામે રહેતી એક પરિણીતાને પતિ સહિત સાસરીયાઓએ ઢોર માર મારતા પરિણીતાને શરીરે ફેક્ચર થયુ હતું. વડીયાના તોરી ગામે રહેતી પરિણીતા કિરણબેન ભરતભાઈ રાઠોડે ફરિયાદ નોંધાવી છે કે, કિરણબેન અને તેના પતિ ભરતભાઈ વાતચીત કરતા હતા ત્યારે કિરણબેનના નણંદનો દીકરો રાહુલ મુકેશ ખીમસુરીયાએ ઢીકાપાટુનો મુંઢમાર મારેલ હતો. કિરણબેનના પતિ ભરતભાઈએ પણ લાકડી વડે માર માર્યો હતો. સસરા બઘાભાઈ રાઠોડે પરિણીતાને માથાના ભાગે મુંઢ ઈજા કરી હતી. જયારે સાસુ મંજુલાબેને અને કાકાજી સસરા ભીખાભાઈ રાઠોડે કિરણબેનને જાનથી મારી નાખવાની ધમકી આપતા કિરણબેને પતિ સહિત પાંચ સામે વડીયા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. જયારે બગસરા તાલુકાના નવી હળીયાદ ગામે પણ પરિણીતાને પતિ સહિત સાસરીયાઓએ ઢોર માર માર્યાની બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બગસરાના નવી હળીયાદ ગામે રહેતા ગૌરીબેન નીતિનભાઈ વાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, પતિ સહિત સાસુ-સસરા કંઈ કામધંધો કરતા ન હોય અને ગૌરીબેનને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાથી ગૌરીબેનના બહેન અને તેની દીકરી ઘરે આવેલ હોય જેથી સાસરીયાઓને સારૂ લાગ્યુ નહોતું અને સાસરીયાઓએ ગૌરીબેનને ગાળો દેવા લાગતા ગૌરીબેને ગાળો દેવાની ના પાડતા ગૌરીબેનના પતિ નીતિન વાળાએ ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો તથા સસરા બઘાભાઈએ લાકડી લઈ આવી ગૌરીબેનના માથામાં ઝીંકી દીધી હતી. સાસુ નાથીબેને અને દેવા ટપુ વાળાએ ગૌરીબેનને બેફામ ગાળો આપી નિતીન વાળાએ જાનથી મારી નાખવાની ધમકી આપતા ગૌરીબેને પતિ સહિત ચાર સાસરીયાઓ સામે બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.