ગુજરાત સરકાર પોતાની ખેતીલક્ષી યોજનાઓ ખેડૂતો સુધી પહોંચાડવા માટે ગ્રામપંચાયતનું સંચાલન સરપંચ અને તલાટીને સોંપે છે. રાજ્યમાં ખુબ મોટી સંખ્યામાં લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. પ્રધાનમંત્રી ખેડૂતોની આવક બમણી થાય તે માટે કટિબધ્ધ બની કામગીરી કરી રહ્યા છે પરંતુ સરકારનું વહીવટી તંત્ર જાણે ઘોર નિંદ્રામાં ઉંઘતું હોય તેવા દૃશ્યો ગ્રામપંચાયતના તલાટીની કામગીરીઓ બાબતે જોવા મળી રહ્યા છે. અમરેલી જિલ્લાનો વડીયા-કુંકાવાવ તાલુકો એટલે લગ્ન નોંધણીનું એપી સેન્ટર. સમગ્ર રાજ્યના લગભગ દરેક જિલ્લામાંથી પ્રેમીપંખીડાઓ અહીં લગ્ન કરવા આવે છે. અહીં આ કામ ફટાફટ થઇ પણ જાય છે, કારણ કે તેમાં પેટ ભરીને મલાઈ આપવામાં આવે છે. ખેતી આધારિત આ તાલુકામાં પંચાયતના તલાટી મારફત પાણીપત્રક વર્ષમાં ત્રણ વાર ભરવાના હોય છે જેની માહિતી ૧૨ નંબરમાં આપવામાં આવે છે. જે વર્ષ ૨૦૨૨/૨૩માં ૪૫ ગામોમાંથી ફક્ત ૧૩ ગામોના અને વર્ષ ૨૦૨૩/૨૪માં ફક્ત ૯ ગામોમાં ભરાયા છે. એ પણ ફક્ત ચોમાસુ પાક (ખરીફ પાક) માટે બાકી સમગ્ર તાલુકાની તમામ ખેતીની જમીનોમાં માહિતી નથી તેવો ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત વડીયા-કુંકાવાવ તાલુકાના ઘણા ગામડાઓમાં સૌની યોજના, નદી અને કેનાલ મારફતે સિંચાઈનું પાણી છોડવામાં આવે છે તેવા ગામોમાં ત્રણ પાક લેવાય છે ત્યારે આ તાલુકામાં સરકારના ચોપડે ફક્ત એક જ પાકનું વાવેતર થાય છે. આ તમામ માહિતી પરથી લાગી રહ્યુ છે કે વડીયા કુંકાવાવ તાલુકાના તલાટી કમ મંત્રીઓએ પોતાની ફરજમાં બેદરકારી દાખવી છે. સરકાર ટેકાના ભાવે ખરીદી કરે ત્યારે પાણીપત્રકની માગ ફરજીયાત કરે છે. આવા તલાટીઓએ પાણીપત્રક બનાવ્યા ન હોય ખેડૂતોને પોતાની જણસ વેચવામાં મુશ્કેલી પડી શકે છે.