વડીયા પંથકમાં ફરી એક વખત બહેન દીકરીની સલામતી પર પ્રશ્નો ઉભા થયા છે. વડીયા પંથકમાં રહેતી એક યુવતીને એક તરફી પ્રેમમાં પાગલ યુવકે રોકીને સંબંધ રાખવા દબાણ કર્યું હતું. ઉપરાંત તેની જે યુવક સાથે સગાઈ થવાની હતી તેને ખોટી વાતો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે યુવતીએ શબ્બીર આમદભાઈ બાલપરીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેને આરોપીએ વડીયા તથા દામનગર ખાતે અવારનવાર પીછો કરી રોકીને તેની સાથે વાત કરવા અને સંબંધ રાખવા માટે દબાણ કર્યું હતું. તેમણે આરોપીને ફોનથી વાત નહી કરવા અને મેસેજ નહી કરવા જણાવતા સારૂ નહોતું લાગ્યું. આ સમયગાળા દરમિયાન અમરેલી મુકામે તેમની સગાઇ થવાની હોવાથી તે છોકરાને તેના વિશે ખોટા મેસેજ કરી કહેલ કે જો તું આ છોકરી સાથે સગાઇ કે લગ્ન કરીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી સાહેદને ખોટી કાન ભંભેરણી કરી સગાઇ થવા દીધી નહોતી. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.એન. ગઢવી વધુ તપાસ કરી રહ્યા છે.