બે દિવસ પહેલા એક વાલીએ દીકરીના લગ્ન બાબત પોલીસમાં કરી રજૂઆત

રાજ્યભરમાંથી લગ્ન નોંધણી માટે અમરેલી જ પસંદગીનો જિલ્લો કેમ????

યોગ્ય તપાસ થાય તો ઘણા મોટા માથાની સંડોવણી સામે આવી શકે તેમ છે

ફક્ત લગ્ન નોંધણીની કાયદેસરતા સામે જ તપાસ ન કરતા અહીં લગ્ન નોંધણી કેમ થાય છે તેની તપાસ પણ થવી જરૂરી

અમરેલી જિલ્લો લગ્ન નોંધણી માટે જાણે કે સ્વર્ગ બની ગયો હોય તેમ વડીયા બગસરા બાદ અમરેલી તાલુકામાં પણ ઘણા ગામોમાં મોટા પાયે લગ્ન નોંધણી થઈ હોવાની વિગતો જાણવા મળી છે. બે દિવસ પહેલા અમરેલી તાલુકાના જસવંતગઢ ગામે એક લગ્ન ખોટા દસ્તાવેજ પુરાવા સાથે થયા હોવાનું દીકરીના પિતા દ્વારા પોલીસમાં રજૂઆત કરવામાં આવી છે. અમરેલી તાલુકાના રાંઢીયા, જશવંતગઢ જેવા ગામો મોટા પાયે લગ્ન નોંધણી થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. આ અંગે પોલીસ તપાસ કરવામાં આવે તો ઘણા વચેટીયાઓ અને તલાટી મંત્રીઓની સંડોવણી પણ સામે આવી શકે તેમ છે. અમરેલી જિલ્લો ઘણા સમયથી લગ્ન નોંધણી માટે સ્વર્ગસમો બની ગયો છે. જે ગામની વસ્તી હોય તેના કરતાં ત્રણ ત્રણ ગણા લગ્ન આ જિલ્લાના ઘણા ગામોમાં નોંધાયા છે ત્યારે મોટા પાયે થતી આવી લગ્ન નોંધણી પાછળ કોઈ એકાદ વ્યક્તિનું કામ હોઈ શકે નહીં. આ અંગે ઊંડી તપાસ કરવામાં આવે તો રાજ્યના ઘણા મોટા માથાઓની સંડોવણી પણ સામે આવી શકે તેમ છે. નવાઈની વાત તો એ છે કે નવસારી, વલસાડ, વાપીથી પણ ઘણા લોકો લગ્ન નોંધણી માટે અમરેલી જિલ્લા પર પસંદગી ઉતારી રહ્યા છે. પોતાનો વિસ્તાર મૂકી અને આટલા દૂર સુધી લગ્ન નોંધણી કરવા માટે આવે તે પણ એક શંકાનો વિષય છે? હાલમાં તો રાંઢીયા અને જશવંતગઢના કિસ્સાની તપાસ યોગ્ય રીતે કરવામાં આવે તો આ પ્રકરણમાં ઘણી વિગતો જાણવા મળી શકે તેમ છે. અમરેલી જિલ્લાના ઘણા ગામોમાં આવી રીતે મોટાપાયે લગ્ન નોંધણી થઈ રહી છે ત્યારે આ કોઈ સિન્ડિકેટ કામ કરી રહી છે કે કેમ અને આનો દોરીસંચાર પણ કોઈ એક જગ્યાએ અથવા તો કોઈ સક્રિય વચેટિયાઓથી થઈ રહ્યો હોય તેવું લોકમુખેથી પણ જાણવા મળેલ છે. આ ઘટનામાં અમરેલી શહેરમાંથી એક વ્યક્તિ દ્વારા તલાટી મંત્રીનો સંપર્ક કરી લગ્ન નોંધણી થયા હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

તલાટી મંત્રી રૂબરૂ મળવા માટે આવ્યા હતા: દીકરીના પિતા
સંજાગ ન્યૂઝ સાથેની વાતચીતમાં દીકરીના પિતાએ જણાવ્યું હતું કે થોડા સમય પહેલા મારી દીકરી કોલેજે જવાનું કહી નીકળી અને ત્યારબાદ પરત ફરી ન હતી આ અંગે અમે પોલીસમાં ફરિયાદ નોંધાવતા વિસાવદર પોલીસે અમને જણાવ્યું હતું કે તમારી દીકરીના લગ્ન થઈ ગયા છે અને આ લગ્ન જસવંતગઢ ગામે નોંધાયા છે. ત્યારબાદ અમે જશવંતગઢ ગામે જઈ અને તપાસ કરતા તલાટી મંત્રી દ્વારા અમને આશ્વાસન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ તલાટી મંત્રી રૂબરૂ અમને મળવા માટે અમારા ધંધાના સ્થળ પર આવ્યા હતા. નવાઈની એ વાત છે કે તલાટી મંત્રીએ રૂબરૂ મળવા માટે કેમ જવું પડ્‌યું??