અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક વડીયામાં લાખો રૂપિયાના ખર્ચે રીનોવેશન પામેલું એસ.ટી. બસ સ્ટેન્ડ ખાનગી વાહનોનું પાર્કિંગ સ્ટેન્ડ બની ગયું છે. બસ સ્ટેન્ડના કમ્પાઉન્ડમાં અને સુરગવાળા હાઈસ્કૂલના મુખ્ય ગેટ સામે ખાનગી વાહનો પાર્ક કરતા ટ્રાફિક સમસ્યા વકરી છે, જે વિદ્યાર્થીઓ માટે જોખમી બની રહી છે. શાળા શરૂ થવાના અને છૂટવાના સમયે પાર્ક થયેલા વાહનોને કારણે વિદ્યાર્થીઓ માટે અવરજવર મુશ્કેલ બની છે. અમરનગર રોડ પરથી આવતા વાહનો પણ દેખાતા ન હોવાથી અકસ્માતનો ભય રહે છે. આ અંગે હાઈસ્કૂલ તંત્ર દ્વારા પોલીસને લેખિતમાં જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બસ સ્ટેન્ડ દારૂડિયાઓ અને આવારા તત્વોનો અડ્ડો બની રહ્યું છે. બસ સ્ટેન્ડ પર ટ્રાફિક નિયમન માટે પોલીસ કર્મચારીની નિમણૂક કરવાની માંગણી પણ કરવામાં આવી છે.