વડોદરા શહેરમાં દારૂ પીને કાર ચલાવવાની વધુ એક ઘટના સામે આવતા લોકોના જીવ જોખમમાં મૂકાયા છે. ફરી એકવાર રક્ષિતકાંડ થતાં થતાં રહી ગયો છે. સ્થાનિકોનો દાવો છે કે નશામાં ધૂત ડ્રાઈવર દારૂના નશામાં ગાડી ચલાવી રહ્યો હતો અને બેદરકારીથી ગાડી ચલાવી રહ્યો હતો. ડ્રાઈવર એટલો નશામાં હતો કે તે પોતાના પગ પર ઊભો પણ રહી શકતો ન હતો, તેથી લોકોએ તેને પોલીસની ગાડીમાં બેસાડી દીધો. વડોદરા શહેરના ખોડિયારનગર ક્રોસિંગ પાસે એસ.આર. પેટ્રોલ પંપ તરફ જતા માર્ગ પર બળીયાદેવ મંદિર પાસે આ ઘટના બની હતી, જ્યારે એક નશામાં ધૂત વાહનચાલકે રસ્તા પર એક પછી એક ૧૦ વાહનોને ટક્કર મારી હતી, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માત શહેરના મેયર પિંકીબેન સોનીની સોસાયટીની બહાર થયો હતો, જ્યાં એક નશામાં ધૂત વાહનચાલકે એક સાથે ૧૦ વાહનોને ટક્કર મારી હતી.
હાલમાં વડોદરા પોલીસે ડ્રાઇવરને કસ્ટડીમાં લઈ વધુ તપાસ શરૂ કરી છે. આ અકસ્માત અંગે પોલીસે જણાવ્યું હતું કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ કારના ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે. તો આજે વહેલી સવારે વાઘોડિયા ચાર રસ્તા બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું હતું.
વાઘોડિયા ચાર રસ્તા પાસે પૂરઝડપે આવેલ ટેમ્પા ચાલકે મૈત્રી શાહ નામની વિદ્યાર્થિનીને ઉડાવતાં પરિવારમાં શોક ફેલાઈ ગયો છે. શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી અકસ્માતોની વણઝાર જોવા મળી છે. ત્રણ દિવસમાં સર્જાયેલ અકસ્માતમાં ત્રણના મોત થયા છે. વધતા અકસ્માતોને લઈ પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે.
અગાઉ શહેરમાં મોડી રાત્રે લોખંડનો સામાન ભરેલ એક ટેમ્પો ટ્રકની બાઈક સાથે ટક્કર થઈ હતી, જેમાં બાઈક પર સવાર પાંચ વર્ષની બાળકી નીચે પટકાતાં મોત નિપજયું હતું. વિહાર થિયેટર પાસે ટેમ્પો ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતને પગલે લોકોનું ટોળું ભેગું થયું હતું. પોલીસને અકસ્માતની માહિતી મળતા ઘટનાસ્થળ પર પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. અકસ્માતમાં બાળકીનું મોત થતા ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે ગણતરીના સમયમાં ટેમ્પો ચાલકની ધરપકડ કરી હતી. પોલીસે અકસ્માતની વિગતો પ્રાપ્ત કર્યા બાદ વધુ તપાસ હાથ ધરી છે.