વલસાડના જાણીતા મોલમાંથી ખરીદેલા અમૂલ શ્રીખંડના ડબ્બામાં ફૂગ લાગેલી હોવાનો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગ્રાહકે આક્ષેપ કર્યો છે કે, તેણે ખરીદેલા બે ડબ્બામાંના શ્રીખંડ બગડેલા હતા.
ડબ્બા પર છાપેલી માહિતી અનુસાર શ્રીખંડ ઓક્ટોબર ૨૦૨૪માં બનાવવામાં આવ્યો હતો અને એપ્રિલ ૨૦૨૫ સુધી વાપરવા લાયક હતો. છતાં શ્રીખંડમાં ફૂગ આવી ગઈ હતી. આ ઘટનાને લઈને લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે.
ગ્રાહકે આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં રજૂઆત કરી છે. આ ઘટનાને પગલે જાણીતા મોલની સાખ પર પ્રશ્નાર્થ ઉભો થયો છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.