અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાએ પોતાના મતવિસ્તારના રસ્તાઓના કામો તાત્કાલિક ધોરણે મંજૂર થાય એ માટે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ભારપૂર્વક રજૂઆત કરેલ. જે અન્વયે સરકારના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના વાંકિયા- ચાંદગઢ રોડ માટે રસ્તાના રિસરફેસીંગ ગામતળ વિસ્તારમાં સી.સી. રોડ તથા રોડ ફર્નિચરના કામ માટે રૂપિયા ૧૨ કરોડની રકમ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે. આ રકમમાંથી અમરેલી જિલ્લાના મુખ્ય માર્ગનું રિકાર્પેટનું કામ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. રસ્તાના નવીનીકરણનું આ કામ સંપન્ન થતા આ વિસ્તારની પ્રજાને પડતી મુશ્કેલીમાંથી મુક્તિ મળશે.