દિલ્હીમાં ઝેરીલી હવા. દિલ્હીમાં શ્વાસ લેવાનું મુશ્કેલ. એક્યૂઆઈ ૪૦૦ થયો. આવાં મથાળાં આપણાં માથાં પર પ્રતિ દિન ફટકારવામાં આવે છે. ખરેખર શું છે? તાજેતરની મારી દિલ્હી મુલાકાતમાં ગુજરાતના એક મિત્ર મળ્યા. તેઓ તાજેતરમાં જ દિલ્હી સ્થિત થયા છે. અને હજુ પણ અમદાવાદ આવ-જા કરે છે, તે પણ મહિનામાં એક વાર. મેં તેમને પૂછ્યું કે શું સ્થિતિ છે? તો કહે, વાત સાચી છે.
મેં તેમને કહ્યું, “મિત્ર, તમે માધ્યમો, કાર્ટ અને સરકારો દ્વારા બરાબર બિછાવાયેલી જાળમાં આવી ગયા છો.” તો કહે, “કેવી રીતે?” મેં કહ્યું, “તમે અને હું અત્યારે વાતો કરીએ છીએ. આપણે માસ્ક પહેર્યાં છે? શું આપણને ગૂંગળામણ થાય છે?” તો કહે, “ના.” મેં કહ્યું, “હું તો અમદાવાદમાં નેશનલ મીડિયામાં એવાં મથાળાં સાથે સમાચાર વાંચતો હતો કે “દમ ઘોટું હવા. ઝહરીલી હવા.”
પરંતુ હું જ્યાં ગયો ત્યાં મેં સામાન્ય માનવીથી માંડીને ઉચ્ચ અધિકારીઓ સુધી બધાને પૂછ્યું તો તેમને પ્રદૂષણ હોવાનું લાગ્યું નહીં. તો શું વાયુ પ્રદૂષણ કે જળ પ્રદૂષણ જ નથી?
દિલ્હીમાં બંને પ્રદૂષણ છે. ઇન ફૅક્ટ, કેજરીવાલ સરકાર ૨૦૧૩માં આવી ત્યારથી છે અને સતત વધી રહ્યા છે તે યથાર્થ છે. યમુનામાં આ વખતે (૨૦૧૩થી લઈને ૨૦૨૪ સુધી હજુ) પણ ફીણવાળાં પાણી છે. પરંતુ દર ચૂંટણીમાં યમુનાને સ્વચ્છ કરવાનું વચન આપતા કેજરીવાલે યમુનાને વધુ ને વધુ પ્રદૂષિત થવા દીધી છે જેના પાપે આ વખતે તો હિન્દુઓને છઠ્ઠ પૂજા યમુનામાં કરવાની અનુમતી દિલ્હી ઉચ્ચ ન્યાયાલયે ન આપી. પરંતુ આ બાબતે કેજરીવાલ સરકારને કોઈ આકરો ઠપકો ન મળ્યો કે ભાઈ, ૧૧ વર્ષ થઈ ગયાં, તમે કર્યું શું?
યમુનાના પ્રદૂષણના બહાને દિલ્હીમાં રહેતા હિન્દુઓને છઠ્ઠ પૂજા કરવા ન મળી તેમ વાયુ પ્રદૂષણના બહાને દિલ્હીમાં રહેતા હિન્દુઓ પર દર વર્ષે દિવાળીએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાય છે. અને દર વર્ષે એની જાહેરાતની તારીખ વહેલી ને વહેલી થતી જાય છે. પહેલાં દિવાળીના અમુક દિવસો પહેલાં જાહેરાત થતી હતી હવે દોઢેક મહિના પહેલાં થવા લાગી છે. ભાદરવા આસપાસથી થાય છે.
આ વખતે કેજરીવાલ દિલ્હી દારૂ ભ્રષ્ટાચાર કેસમાં જામીન પર મુક્ત થાય તો તેની પ્રસન્નતામાં આઆપ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડ્યા. તેઓ ફોડે તો ચાલે. પણ હિન્દુઓએ તેમના તહેવારની ઉજવણીમાં ફટાકડા નહીં ફોડવાના. હિન્દુઓ માટે કોઈ વૈજ્ઞાનિક રીતે સંશોધન કરતી સંસ્થા બનવી જોઈએ કારણકે અધિકૃત રીતે પ્રયોગ વગેરે નથી થતા તેથી હિન્દુ તહેવારો અંગે વૈજ્ઞાનિક પુરાવા આપી શકાતા નથી. આથી દિવાળી પર ફટાકડા ફોડવાથી ચોમાસામાં થયેલા મચ્છર, અન્ય હાનિકારક જીવાણુ, જીવોનો નાશ થાય છે તે બધાને ખબર છે પણ વૈજ્ઞાનિક રીતે આધાર-પુરાવા નથી.
મીડિયામાં પણ પહેલાં દિવાળીના અમુક દિવસ પહેલાં, વાયુ પ્રદૂષણ વધ્યું તેવા સમાચાર આવતા હતા, તે હવે દશેરા આસપાસથી ચાલુ થઈ જાય છે. તેમાંય હેડિંગમાં ‘દિવાળી’ શબ્દનો ઉલ્લેખ ખાસ કરાય છે, જેમ કે, દિવાલી સે પહેલે દિલ્હી મેં ઝહરીલી હવા બઢી. દિવાલી મેં પટાખે ફૂટને કે કારણ પ્રદૂષણ કી માત્રા મેં ભારી બઢોતરી. લોગોં ને બાન કી કી ઐસી કી તૈસી, પટાખોં સે દિલ્હી મેં સાંસ લેના હુઆ મુશ્કિલ.
૩૧ ડિસેમ્બરે આવા સમાચારો અદૃશ્ય હોય.
એનજીઓ દ્વારા જાહેર હિતની યાચિકા કે બીજા કોઈ કહેવાતા જાગૃત નાગરિક કે વકીલ દ્વારા દર વર્ષે કાર્ટમાં યાચિકા થાય અને કાર્ટ કેજરીવાલ સરકારને નામ પૂરતો ઠપકો આપે. નુપૂર શર્માએ તો પોતાની વિરુદ્ધ ઢગલાબંધ એફઆઈઆર એક જ પોલીસ સ્ટેશનમાં કરવા યાચિકા કરી હતી તોય મિ. લાર્ડે તેમાં મૌખિક ટીપ્પણી કરી કે દરજીનો વ્યવસાય કરતા કનૈયાલાલ, ઉમેશ કોલ્હે, પ્રવીણ નેતારુ વગેરેની હત્યા નુપૂરની ટીપ્પણીના લીધે થઈ છે. પરંતુ વાયુ પ્રદૂષણના લીધે લોકો કેજરીવાલ સરકારના લીધે માંદા પડે છે તેવી આકરી ટીપ્પણી તમે ક્યારેય સાંભળી?
ઉલટું, આ વખતે તો સર્વોચ્ચ ન્યાયાલયમાં મિ. લાર્ડે એવી ટીપ્પણી કરી કે કોઈ પણ ધર્મ પ્રદૂષણને પ્રોત્સાહન નથી આપતો. મિ. લાર્ડ ભૂલી ગયા કે બકરી ઇદ પર કેટલું પ્રદૂષણ થાય છે? પર્યાવરણને- ઇકાલાજીને જીવ હત્યાથી કેટલું મોટું નુકસાન થાય છે? વાઘ, સિંહનાં મૃત્યુ થાય તો તરત કાર્ટમાં યાચિકા થઈ જાય છે અને સરકારને ઠપકો મળે છે, તો દૂધ આપતી બકરી શું પર્યાવરણને ઉપયોગી નથી?
પહેલાં બકરીને કે બકરાને ખવડાવી-પીવડાવી તાજામાજા કરવામાં આવે, પછી તેને બે રીતે મરાયઃ કાં તો ઝટકા સાથે. કાં તો તડપાવી-તડપાવી મારવામાં આવે. વિચાર કરો કે આ રીતના મૃત્યુ વખતે તેનો ચિત્કાર કેવો થતો હશે? એના લોહીમાં એ ભાવ નહીં ભળતો હોય? એ લોહીને ભલે પાણીથી સ્વચ્છ કરાતું હશે પણ એ પાણી નદી-સમુદ્રમાં ભળતું હશે અને એ મુસ્લિમ સિવાય હિન્દુ, જૈન, શીખ, બૌદ્ધ, ખ્રિસ્તી, પારસી, યહૂદી વગેરે બધા પીતા હશે. આના પર કોઈનો જીવ કકળતો નથી. હા, જૈન તહેવાર આવે એટલે તે દિવસ પૂરતો ગાય કાપવા પર પ્રતિબંધ મૂકાય છે.
૩૧ ડિસેમ્બરે થતી પાર્ટીઓમાં મોટા પાયે માંસાહાર અને દારૂની રેલંછેલ થાય છે. ત્યારે કેમ પ્રદૂષણનો કોઈને વિચાર નથી આવતો? ત્યારે કેમ કોઈ યાચિકા નથી થતી? કારણ કોઈ ચુસ્ત હિન્દુ વકીલ કે એવી કોઈ હિન્દુવાદી સંસ્થા નથી જે યાચિકા કરે. ૭ જાન્યુઆરીથી ગુજરાતમાં જેમ જીવદયા, કબૂતરને બચાવોના મીડિયામાં સમાચાર આવવા લાગે છે, જીવદયા, કરુણાની વાતો કરનારા ટ્રસ્ટ, પોતે કેટલા પક્ષીને બચાવ્યા તેના પ્રસિદ્ધિભૂખ્યા કથિત સમાજસેવકોના સમાચાર મીડિયા અને સાશિયલ મીડિયામાં આવે છે તેમ ૨૦ ડિસેમ્બરથી કોઈ સમાચાર આવતા નથી કે આટલા પ્રાણીઓને બચાવ્યા. જીવદયા કરવી જોઈએ અને આપણા આનંદ માટે માંસાહાર ન કરવો જોઈએ. તે વખતે પણ મિ. લાર્ડ કોઈ ને કોઈ યાચિકાના કારણે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધના નામે ચુકાદો ઠપકારી દે છે અને હિન્દુ વિરોધી ટીપ્પણી કરી નાખે છે.
બકરી ઇદ અને ૩૧ ડિસેમ્બર પર ન તો આવી કોઈ યાચિકા થાય છે અને ન તો કોઈ મિ. લાર્ડ સુઓ માટો સંજ્ઞાન લે છે. તો દિલ્હીમાં સ્થિતિ શું છે? ત્યાં હું સંસદ ભવન સહિતના વીઆઈપી વિસ્તારોથી લઈને જૂની દિલ્હી ગયો. કોઈ કરતાં કોઈ માસ્ક લગાવીને ફરતું હોય તેવું દેખાયું નહીં. અરે ! પહાડગંજ, કરોલ બાગ, લાડો સરાઈની ચંપા ગલી વગેરે સાંકડા, માંસાહારથી ભરપૂરવાળા રસ્તાઓ જોયા. અરે ! સૂગાળવા અને અતિશય સ્વચ્છતા-પ્રેમી વિદેશીઓ પણ માસ્ક વગર બિન્દાસ્ત ફરતા હતા. જો એટલી બધી ઝેરીલી હવા હોય તો શું અતિ સ્વચ્છ દેશોમાંથી આવતા વિદેશીઓ માસ્ક વગર ફરી શકે? દિલ્હીમાં રહી શકે?
એનર્જી ઍન્ડ રિસાર્સિસ ઇન્સ્ટિટ્યૂટનો તાજો અહેવાલ કહે છે કે વાયુ પ્રદૂષણમાં સૌથી મોટું કારણ હોય તો તે વાહનો છે. વાહનોમાંથી નીકળતો વાયુ, પ્રદૂષણ ફેલાવવામાં ૪૭ ટકાનું પ્રદાન કરે છે. પરંતુ શું વાહનો સામે કોઈ મિ. લાર્ડે કહ્યું કે કોઈ ધર્મ, મઝહબ કે રિલીજિયન એમ નથી કહેતો કે ખાનગી વાહનોમાં જ મુસાફરી કરવી? શું કોઈ મીડિયાએ આ બાબતે ફટાકડાની જેમ ઝુંબેશ ચલાવી? કેજરીવાલ સરકારે ખાનગી વાહનોમાં ન જવું પડે તે માટે સરકારી પરિવહનને પ્રોત્સાહન આપવા સુવિધાઓ વધારી? લોકોને બસો અને મેટ્રોમાં જવા પ્રેર્યા? પોતે ગાડીઓ વાપરવાની બંધ કરી મેટ્રોમાં મુસાફરી કરવાનું શરૂ કરી દાખલો બેસાડ્યો?
વીજળી પ્લાન્ટમાંથી નીકળતો વાયુ ૪૬ ટકા પ્રદૂષણ ફેલાવે છે. તેને બંધ કરી શકાશે? તેની સામે કોઈ જાહેર હિતની યાચિકા થશે? તેની સામે કોઈ કેજરીવાલ સરકાર કે મિ. લાર્ડ કહેશે, કોઈ ધર્મ, મઝહબ કે રિલિજિયન નથી કહેતો કે વીજળીના ઉપયોગ વગર રહી જ ન શકાય. ભગવાનના અવતારો થયા ત્યારે, મોહમ્મદ પયગંબર થયા ત્યારે ક્યાં વીજળી હતી? તેના વગર ચલાવો. રસ્તા પર ઉડતી ધૂળથી થતા પ્રદૂષણનું પ્રમાણ ૨૦ ટકા છે. તેને કેવી રીતે દૂર કરી શકાશે? પરાળી સળગાવવાથી ખેડૂતો પ્રદૂષણ કરે છે તેમ મોટા પાયે કહેવાય છે. પરંતુ ખેડૂતો મતબૅંક છે. તેની સામે પગલાં થોડા લેવાય? જોકે હરિયાણામાં આ વર્ષે ચૂંટાઈને આવેલી નવી ભાજપ સરકારે ખેડૂતો સામે કેસ કર્યા છે, નિષ્ક્રિય અધિકારીઓ સામે પણ પગલાં લીધાં છે, પરંતુ પંજાબની આઆપ સરકારે આવાં કોઈ પગલાં લીધાં નથી. તેના લીધે આ વખતે પાકિસ્તાનના લાહોરમાં પ્રદૂષણ અનહદ રીતે વધી ગયું.
લાહોર વિશ્વનું સૌથી વધુ વાયુ પ્રદૂષિત શહેર છે. કરાચી અને ઇજિપ્તનું કૈરો પણ ટોચનાં પાંચ શહેરોમાં આવે છે. શું મુસ્લિમ દેશ પાકિસ્તાનના લાહોર અને ઇજિપ્તના કૈરોમાં દિવાળીએ ફટાકડા ફોડવામાં આવે છે? લાહોર અને કૈરોમાં પ્રદૂષણનું સૌથી મોટું કારણ વાહનોના ઉત્સર્જનનું જ છે. પરાળી સળગાવવાના કારણે પણ કૈરોમાં પ્રદૂષણ છે. પરંતુ ભારતમાં-દિલ્હીમાં તો જાણે ફટાકડાના કારણે જ પ્રદૂષણ થાય છે તેવું ચિત્ર મીડિયા, કેજરીવાલ સરકાર અને કાર્ટ છેલ્લાં સાત-આઠ વર્ષથી ઊભું કરી રહ્યાં છે. અને તેના કારણે આ લેખની શરૂઆતમાં જેનો દાખલો ટાંક્યો તેવા મિત્ર જેવા લોકો પણ પેલી, ‘તમારા ખભે કૂતરું છે’ તેવી ઠગોની વાર્તાની જેમ, હિન્દુ વિરોધીઓની જાળમાં ફસાઈ, દિલ્હીમાં સાચે જ ખૂબ જ પ્રદૂષણ છે, તેવું માનવા લાગ્યા છે.
તો આ વાયુ પ્રદૂષણનું તૂત ચગાવવા પાછળ કારણ શું છે? એક નહીં, અનેક કારણો છે. કારણો પહેલાં એક સ્પષ્ટતા ફરી. આનો અર્થ એવો નથી કે વાયુ પ્રદૂષણ નથી. વાયુ પ્રદૂષણનો હાઉ ઊભો કરવાનાં કારણો છે. દિવાળીની હિન્દુ વિધિવિધાનથી ઉજવણી બંધ કરવી. કોઈ કહેશે કે દિવાળી પર ફટાકડા ફોડવાનું કયા શાસ્ત્રમાં લખ્યું છે? તો સ્કંદ પુરાણ વાંચી લેવું.
હિન્દુ ધર્મ સાથે જોડાયેલી દરેક બાબતને નકારાત્મકતા, અવૈજ્ઞાનિક અને અંધશ્રદ્ધામાં ખપાવી દેવાનું વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે. બેધડક સત્યનો દાવો કરતા મીડિયામાં કંકુથી કેન્સર થાય છે તેવા કોઈ વિદ્યાર્થીના રિપાર્ટના આધારે મુખ્ય હેડલાઇન બની હતી. કંકુનો ચાંદલો આપણાં બાપદાદાઓના બાપદાદાઓના બાપદાદાઓ અને આપણી બા-દાદીઓની બા-દાદીઓની બા-દાદીઓ કરતા આવ્યા છે. કોઈને કેન્સર થયું? અત્યારે પણ કંકુથી કેટલાને કેન્સર થયું? પીએચ. ડી. કે સેમિનારોમાં શોધપત્રો માટે આવાં હિન્દુ વિરોધી ઘનચક્કર સંશોધનોને પ્રોત્સાહન અપાય છે. તેથી આવા લોકો તો સંશોધન કરે પણ છાપનાર પત્રકારે અને તંત્રીએ તો ક્રાસ-ચેક કરાવવું જોઈએ.
કરવા ચોથના એક દિવસના ઉપવાસથી મહિલાઓનું આરોગ્ય બગડે અને રમઝાનમાં ૩૦ દિવસ સતત ઉપવાસથી આરોગ્ય સુધરે તેવા અહેવાલો ‘પેપર’ છાપે છે.
તો વાચક મિત્રો, આ ઉદાહરણ પરથી સ્પષ્ટ છે કે મેઇનસ્ટ્રીમ મીડિયાનો મોટો વર્ગ, કાર્ટ અને કેજરીવાલ જેવી સરકાર (તેમાં થોડાક અંશે ભાજપ પણ આવી ગયો કારણકે તે પણ દર દિવાળીએ જાહેરનામું તો બહાર પાડે જ છે કે રાત્રે આઠથી દસ જ ફટાકડા ફોડવા. તેના કારણે કોઈ ફરિયાદ કરે તો ધરપકડ થઈ શકે છે. આ વખતે દિલ્હીમાં કેજરીવાલના આદેશના પાપે ફટાકડા વેચનારાઓ સામે ૭૯ કેસો થયા અને ૧૯,૦૦૫ કિલોગ્રામ ફટાકડા જપ્ત કરાયા. શું આના કારણે એક આખો ઉદ્યોગ બંધ નહીં થાય? આ જ રીતે પતંગના ધંધા પર નાનો-મોટો ધંધો કરનારા પણ કેટલા નભતા હોય છે? પતંગના માંજાને કાચ પીવડાવવાના ધંધા પર કેટલા મુસ્લિમો નભે છે તે જાણો છો? આવા સિઝનલ વેપારીઓ હોળી પર પિચકારીઓ, દિવાળી પર રંગ અને રંગોળી, ફટાકડા, રક્ષાબંધન પર રાખડી વેચે છે. આ નાના વેપારીઓની ઘોર ખોદવા માટે દરેક હિન્દુ તહેવારને ટાર્ગેટ કરી શું ભારતના અર્થતંત્રને વિશ્વનું ત્રીજા ક્રમનું અર્થતંત્ર બનાવવાનું સપનું જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપના અને પ્રયાસોને નિષ્ફળ બનાવવાનું આ કાવતરું નથી?
બીજું કારણ છે, ઉદ્યોગ-ધંધાઓની પાસેથી પૈસા ઉઘરાવવા. ત્રીજું કારણ છે, મારા-તમારા ખર્ચે, એક્યૂઆઈ (પ્રદૂષણની માત્રા) માપતાં મશીનો વસાવવાં, સીસીટીવીની જેમ, દર ચાર રસ્તે ઍર પ્યારિફાયર મૂકાવવા અને પછી દરેક ઘરમાં પણ ઍર પ્યારિફાયર વસાવે તેવું કરવું. આવું કંઈ કરવું હોય તો કેટલાક ‘વેચાયેલાં’ મીડિયામાં પહેલાં આવા ‘સંશોધન’ સમાચાર આવવા લાગે છે. તે રીતે ‘આઆપ કો રખે આગે’ મીડિયામાં પણ ‘ઍર પ્યારિફાયર પ્રદૂષિત હવાને સાફ કરે છે’ તેવા સમાચાર છપાવા લાગ્યા છે. આના કરતાં કપૂર (એટલે તો તેને ધર્મ સાથે જોડી દેવામાં આવ્યું અને દરેક પૂજા પછી કપૂર સળગાવાય છે) સારું. ગાયના છાણમાંથી બનેલી અગરબત્તી પણ સારી. ગૂગળનો ધૂપ પણ વાતાવરણ શુદ્ધ કરે છે. લીમડાનાં પાન સળગાવવાથી પણ હવા શુદ્ધ થાય છે.
પરંતુ આ બધા સસ્તા-હાથવગા ઉપાય છે. એટલે તેને ‘આઆપ કો રખે આગે’ મીડિયા પ્રમાટ ન કરે.
ટૂંકમાં, વાયુ પ્રદૂષણના હાઉની જાળમાં ન આવો. ખિસ્સામાં કપૂર કે લીમડાનાં પાન રાખીને હરો-ફરો. જો ખાતરી કરવી હોય તો આ નવેમ્બર-ડિસેમ્બરમાં દિલ્હી જઈ આવો.